ગુજરાત પોલીસ દળ રોલ મોડલ પોલીસ બને વિશ્વની પોલીસ ગુજરાત પોલીસ પાસે શીખવા આવે તેવી શાખ ઉભી કરવા રૂપાણીનું આહ્વાન

m1

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પોલીસ દળમાં ઐતિહાસિક અવસરરુપે ૧૮૦૦૦ નવનિયુક્ત પોલીસ યુવાકર્મીઓને નિમણૂંક પત્ર અર્પણ કરતા આહવાન કર્યું કે, મહાત્મા ગાંધી, સરદાર સાહેબની આ ભૂમિમાં તેઓ ગુજરાતની જનતા જનાર્દૃનની રક્ષા સુરક્ષાના અંતરનાદનું દાયિત્વ જગાવે. ગુજરાતનું પોલીસદળ રોલ મોડેલ પોલીસ બને, વિશ્વની પુલિસ ગુજરાત પોલીસ પાસે પદાર્થપાઠ શીખવા આવે તેવી શાખ ઉભી કરવા તેમણે પ્રેરક આહવાન કર્યું હતું. ગુજરાત પોલીસ યુવાનોથી તરબરતર યુવા પોલીસ છે તેમ સ્પષ્ટપણે જણાવતા વિજય રૂપાણીએ કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં ૫૦ હજારની ભરતી થઇ તેમાંથી ર૬૦૦૦ની ભરતી માત્ર દોઢ વર્ષમાં કરવામાં આવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસની નવી ક્ષિતિજો આંબવા કાયદો-વ્યવસ્થા, સુરક્ષા સલામતિને પ્રાધાન્ય અમે આપ્યું છે. રાજ્ય સરકારે ગૃહ વિભાગ અને પોલીસ ભરતી બોર્ડને પારદર્શી અને વાદ-વિવાદરહિત ભરતી માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, ભૂતકાળમાં ભરતી પ્રક્રિયાઓ વચેટિયા, દલાલો, મિડલમેનથી ખદબદતી હતી. મા-બાપ પેટેપાટા બાંધી દેવું કરી પોતાના સંતાનની નોકરી મેળવતા. આજે એવી જડબેસલાક વ્યવસ્થા આ સરકારે કરી છે કે આ ૧૮૦૦૦ નવયુવાનોએ એક પણ કાણી પાઈ કોઇને આપ્યા વિના પોતાના કૌશલ્યથી સજ્જતાથી નોકરી મેળવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વિજય રૂપાણીએ કહ્યું કે, આજે નયા ભારતના નવયુવાનને તક-અવસર આપવાની જરૂરિયાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં આજે નવ યુવાશક્તિને આ તક યંગ ઇન્ડિયાથી મળી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, પોલીસની તાકાત શક્તિ અસામાજિક તત્વો પર ધાકની હોવી જોઇએ તો જ પ્રજાને સુરક્ષા સલામતીનો અહેસાસ થાય તેવા દાખલા આપણે બેસાડવા છે. ગુજરાતમાં પોલીસની જે છબિ છે, અનુશાસનની જે ઢતા છે, તેની વિરાસત-પ્રભાવને નવી પેઢી વધુ નવી ઓળખ અપાવે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

ગૃહરાજ્યમંત્રી પ્રદિપિંસહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાપના પછી એક સાથે ૧૮૦૦૦ જેટલી પોલીસ ભરતીનો આ પ્રથમ ઐતિહાસિક પ્રસંગ છે. ગુજરાતમાં યુવાનોને રોજગારી આપવાનું ભગીરથ કામ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું છે.

પોલીસ મહાનિદેશક ગીતા જોહરીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, પોલીસ દળની આ ભરતીમાં ૪૫ર૭ જેટલી મહિલાઓનો પણ પોલીસ ભરતીમાં સમાવેશ કરી મહિલા સશક્તિકરણની ગુજરાતની છબીને ઉજાગર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *