ગુજરાતમાં લાગુ પડાયેલા કાયદાના સમર્થન અને વિરોધના માહોલ વચ્ચે ‘સિકકાની બે બાજુ’ ફી નિયમન કાયદો:રાહતની સામે અનેક ભયસ્થાનો

a1

ગુજરાતમાં રાજય સરકારે મોંઘાદાટ શિક્ષણના ઉહાપોહને પગલે ખાનગી સ્કુલો દ્વારા ઉઘરાવાતી ફી પર નિયંત્રણો લાગુ પાડયા છે. આ નવા કાયદા સામે ખાનગી સ્કુલ સંચાલકોને વાંધો પડયો જ છે અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ફીમાં છુટછાટ માટે કમીટીની જોગવાઈ સામે પણ અનેક અવરોધક પરિબળો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓના વાલીઓનો આર્થિક બોજ હળવો કરવાના આશયથી લાગુ પાડવામાં આવેલા કાયદાનું બીજું પાસુ પણ છે. આ કાયદાથી શિક્ષણની ગુણવતાથી માંડીને શિક્ષણ સિવાયની રમતગમત સહિતની અન્ય બાળપ્રવૃતિઓને બ્રેક લાગી જવાનુ પણ જોખમ ઉભુ થયુ છે. ‘પ્રાઈવેટ સ્કુલ પેરેન્ટસ વેલફેર એસોસીએશન’ના બેનર હેઠળ સંગઠન દ્વારા સમગ્ર કાયદાનું વિશ્ર્લેષણ કરીને વિદ્યાર્થી-વાલીઓને ફી નિર્ધારણ કાયદાથી થતા ફાયદા-નુકશાન દર્શાવવામાં આવ્યા છે. લાંબાગાળા થનારી સંભવિત અસરો પણ આગળ ધરવામાં આવી છે.
પ્રાઈવેટ સ્કુલ પેરેન્ટ વેલફેર એસોસીએશનના આ વિશ્ર્લેષણ રીપોર્ટમાં એવું તારણ દર્શાવવામાં આવ્યું છે કે તોતીંગ ફી લેનારી કે વિદ્યાર્થીઓ-વાલીઓને લુંટતી હોય તેવું ચિત્ર ઉપસાવતી ખાનગી શાળાઓની સંખ્યા ઘણી ઓછીજ છે. પરંતુ ‘સૂકા ભેગુ લીલુ બળે’ તેમ તમામ ખાનગી શાળાઓનો વારો નીકળી ગયો છે. જેને કારણે શિક્ષણની ગુણવતા, શાળાઓ વચ્ચેની હરિફાઈ, બાળકો-વિદ્યાર્થીઓની શિક્ષણ સિવાયની પ્રવૃતિઓ સહિતને મોટી અને ઘાતક અસર પડી શકવાનું જોખમ રહે છે. વાલીઓએ આ હકીકત-જોખમને સમજીને કાયદાના બીજા પાસાઓને પણ ચકાસવા વિશ્ર્લેષણ રીપોર્ટમાં સૂચવ્યું છે જે અત્રે પ્રસ્તુત છે.
ખર્ચ
એસોસીએશન દ્વારા સર્વપ્રથમ તો શાળા ચલાવવા માટેના ખર્ચના મુદાને આગળ ધરવામાં આવ્યો છે અને તેમાં દલીલ પેટે રાજકોટ કોર્પોરેશને શિક્ષણ હેતુ માટે ભાડાપટ્ટે આપવા કાઢેલી જમીનના ભાવ આગળ ધર્યા છે. કોર્પોરેશને સત્ય સાઈ રોડ પર ૪૩.૫૭ કરોડ, પેડકરોડ પર ૩૨.૬૯ કરોડ તથા ગોંડલ રોડ પર ૪.૦૯ કરોડમાં જમીન લીઝ પર આપવા ઓફર કરેલી છે. આવા તોતીંગ ભાવ માત્ર જમીનના દેવાના થાય અને ત્યારપછી શાળા-સુવિધાઓના નિર્માણને લક્ષ્યમાં લેવામાં આવે તો સ્કુલ કેટલામાં પડે? સામે ફીની મર્યાદા માત્ર ૧૫૦૦૦, ૨૫૦૦૦ અને ૨૭૦૦૦ના ત્રણ સ્લેબમાં જ છે. આ પ્રકારે નિર્ધારિત ફી સાથે મોંઘી શાળા બનાવવામાં આવે તો સંચાલકોને આજીવન તેની મૂડી પણ ન નીકળે. એટલું જ નહીં ખાનગી શાળાઓને વિજબીલ, કોર્પોરેશનનો ટેકસ, સ્ટાફના પગાર કે જમીન રજીસ્ટ્રેશન વગેરેમાં કોઈ સબસીડી મળતી નથી. દેશમાં ખેડુતો-કોર્પોરેટ કંપનીઓને ઢગલાબંધ રાહતો છુટછાટો આપવામાં આવે છે પરંતુ બાળકોનું ભવિષ્ય ઘડતી શાળાઓને કોઈ સરકારી મદદ મળતી નથી.
શાળાઓ વચ્ચે આંતરિક સ્પર્ધા
વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને ખેંચવા શાળાઓ વચ્ચે આંતરિક હરિફાઈ જામતી હોય છે. રાજયમાં ખાનગી ક્ષેત્રમાં ૯૩૮૪ પ્રાથમીક શાળા, ૩૮૩૧ માધ્યમિક શાળા અને ૩૦૩૨ ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે. કુલ આંકડો ૧૬૨૪૭નો થવા જાય છે. પોતાના ગજા પ્રમાણે વાલીઓ શાળાની પસંદગી કરી શકે છે. શાળાઓ પણ વિદ્યાર્થીઓને આકર્ષવા સ્પર્ધામાં ઉતરતી હોય છે. ફીના એક સમાન માળખાની આવી કોઈ હરિફાઈને અવકાશ રહેતો નથી.
શિક્ષણની ગુણવતા
વાલીઓ પોતાનાં બાળકોને સરકારી શાળાને બદલે ખાનગી શાળાઓમાં કેમ મોકલે છે? જવાબ સાવ સીધો-સરળ છે. ખાનગી શાળાઓમાં શિક્ષણની ગુણવતા સારી છે. ખાનગી સ્કુલો સારુ શિક્ષણ આપવા માટે જ વધુ ફી વસુલતી હોય છે. એક સામાન્ય ગણતરી મુજબ શહેરી વિસ્તારમાં શાળા શરૂ કરવા ૧૫ કરોડ અને તાલુકા કક્ષાએ ૫ કરોડનું રોકાણ કરવુ પડે છે. વર્તમાન ફી માળખા અને કાયમી ફીકસ્ડ ખર્ચને ગણતરીમાં લેવામાં આવે તો દસ વર્ષે પણ મૂડી રીકવર ન થાય.
શિક્ષણ કયારેય મફત હતું?
ઈતિહાસ ચકાસવામાં આવે તો પણ શિક્ષણ કયારેય મફત હતું જ નહી. શાળાઓ પુર્વે ગુરૂકુળ હતા અને ત્યારે પણ ‘ગુરુદક્ષિણા’નું ચલણ પ્રવર્તતુ હતું ત્યારે અનાજ-ધાન્ય અને અન્ય સેવાઓ મારફત ગુરૂદક્ષિણા આપવામાં આવતી હતી. એકલવ્ય અને કર્ણએ સૌથી ઉંચી અને મોંઘી ફી ચુક્વ્યાનો ઈતિહાસ સાક્ષી છે.
વૈભવી ખર્ચ નડતા નથી
ચાર સભ્યોનો પરિવાર ફીલ્મ જોવા જાય તો ૧૫૦૦-૨૦૦૦ ખર્ચી નાખે છે. રેસ્ટોરામાં જાય તો ૨૦૦૦-૩૦૦૦નું બીલ સામાન્ય છે. શાળાઓમાં શિક્ષણનું કોઈ તોલ કે મોલ નથી. શિક્ષણ અમૂલ્ય છે છતાં તેની ફી પરના નિયમનો કેટલા વ્યાજબી?
સરકાર પણ ક્રુડની આંતરરાષ્ટ્રીય કિમત ઘટે તો ઘરઆંગણે ઘટાડતી નથી. તે નફાખોરી કરી શકે છે. તેમાં કોઈ નિયમનો નથી તે પણનોંધવું જોઈએ. આ ઉપરાંત અંદાજીત બે લાખ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે જાય છે. ૧૫-૨૦ લાખનો ખર્ચ કરે છે ત્યારે માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓ જ જઈ શકે તેવા નિયમો કેમ બનાવતી નથી? આટલુ જ નહીં યુનિવર્સિટીઓ પણ શિક્ષણનો વ્યવસાય જ કરે છે તો તેના પર પાબંધી કેમ નહીં?
અભ્યાસક્રમ
નવા કાયદાને કારણે શિક્ષણની ગુણવતા ઘટી શકે છે. સસ્તા પુસ્તકો માટે અનેક શાળાઓ એનસીઈઆરટીના પુસ્તકો ચલાવે છે. વાસ્તવમાં તેમાં આંકડાકીય માહિતી ૨૦૦૭ સુધીની જ છે. ખાનગી શાળાઓ છેલ્લામાં છેલ્લી સ્થિતિ ભણાવવા માટે જ ખાનગી પ્રકાશનોના પુસ્તકોનો આગ્રહ રાખતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *