ગુજરાતમાં અતિ ભારે વરસાદ સાથે પુર રાજ્યભરમાં મેઘરાજાની બીજા રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી

Men ride on a motorcycle through a flooded road after heavy rains in Ahmedabad, India, July 28, 2015. REUTERS/Amit Dave      TPX IMAGES OF THE DAY      - RTX1M4XB

અમદાવાદ,ગાંધીનગર સહિત રાજયભરમાં મેઘરાજાએ બીજા રાઉન્ડમાં પણ ધમાકેદાર એન્ટ્રી કરી કયાંય ઝરમર, કયાંક હળવા તો કયાંક ભારેથી અતિભારે વરસાદથી પ્રજાજનોને તરબોળ કરી દીધા હતા. તો, ધરતી માતાને ઠારી નદી-નાળા, તળાવો અને ડેમ છલકાવી દીધા છે. હવામાનખાતાની આગાહી પ્રમાણે, આજે રાજયભરમાં સાર્વત્રિક સારો એવો વરસાદ નોંધાયો હતો. જો કે, દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડના કપરાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં આઠ કલાકમાં સવા આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તો, ડાંગમાં છ ઇંચ  જેટલો વરસાદ ખાબકતાં અંબિકા નદીમાં પૂર આવ્યું હતુ. કુમાલબંધ અને ચીખલદા કોઝવે પર પૂરના પાણી ફરી વળતાં આઠ ગામો સંપર્કવિહોણાં બન્યા હતા. આ જ રીતે, સાબરકાંઠામાં ઉપરવાસના ભારે વરસાદને કારણે સેઇ અને પનારી નદીમાં પૂર આવ્યા હતા. સાબરમતી નદીમાં પણ નવા નીરની આવક વધતાં કાંઠાના ૧૪ ગામોને એલર્ટ કરાયા હતા. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના પંથકોમાં મેઘરાજા મહેરબાન રહૃાા હતા અને મન મૂકીને વરસ્યા હતા.  પહેલા રાઉન્ડમાં મન મૂકીને વરસ્યા બાદ મેઘરાજાએ દસ-પંદર દિવસનો વિરામ લીધા બાદ બીજા રાઉન્ડમાં પણ આજે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. અમદાવાદ શહેરમાં ગઇ મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે ૧૦-૩૦ સુધી ઝરમર ઝરમર અને ધીમી ધારે વરસતો રહૃાો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક છવાઇ ગઇ હતી. તો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તેમની વધારે પડતી કહી શકાય એવી મહેરબાની વરસાવી હતી. જેના પરિણામે, ઉત્તર ગુજરાતના મહેસાણા, કડી, પાટણ, સાંતલપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સહિતના ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના પંથકોમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે જિલ્લાની સેઇ અને પનારી નદીઓમાં પૂર આવ્યા હતા. બીજીબાજુ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જળબંબાકારનો માહોલ સર્જયો હતો. ખાસ કરીને વલસાડના કપરાડામાં આઠ કલાકમાં સવા આઠ ઇંચથી વધુ મેહુલિયો ખાબકતાં જનજીવન તહસનહસ થઇ ગયું હતું. ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ અને નદી, નાળા, તળાવો છલકાઇ ગયા હતા. તો, ડાંગમાં પણ ખાબકેલા છ ઇંચ વરસાદે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જી કાઢી હતી. ડાંગના સાપુતારા, આહવા સહિતના વિસ્તારોમાં ત્રણથી પાંચ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. અંબિકા નદીમાં તો ઘોડાપૂર આવતાં કુમાલબંધ, માલુંગા, સુપરાહડ, ઘોડવહલ સહિતના આઠ ગામો સંપર્કવિહોણાં બન્યા હતા. કુમાલબંધ અને ચીખલદા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. આ જ પ્રકારે વલસાડના ધરમપુર, વાપી, કપરાડા, સુરત, નવસારી, જામનગર સહિતના વિસ્તારો અને પંથકોમાં પણ સારો એવો વરસાદ પડયો હતો. તો કચ્છ-સૌરાષ્ટ્માં પણ મેઘરાજાએ પ્રમાણસર વરસાદ વરસાવી લોકોને ખુશ કરી દીધા હતા.  વલસાડ જિલ્લાના કપરાડામાં આઠ કલાકમાં સવા આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર બની ગયુ હતું. માર્ગો, બજારો જયાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડતું હતું. રસ્તાઓ દેખાવાના બંધ થઇ ગયા હતા, કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. કપરાડામાં સવા આઠ ઇંચથી વધુ વરસાદને પગલે નદી-નાળાઓ અને તળાવો છલકાયા હતા. કપરાડામાં અતિ ભારે વરસાદને પગલે સ્થાનિક જનજીવન ખોરવાઇ ગયુ હતું. બનાસકાંઠા જિલ્લાની સૌથી રમણીય એવી બનાસ નદી વરસાદી પાણીના નવા નીરની આવકથી જાણે સોળે કલાએ ખીલી ઉઠી હતી. ઉપરવાસના અતિભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીરની ભરપૂર આવક થઇ હતી. જેથી નદી બંને કાંઠે ખળખળ વહેતી ખીલી ઉઠી હતી. સ્થાનિક લોકો બનાસના નવા નીર જોવા ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. સાબરકાંઠા જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ઉપરવાસના અતિભારે વરસાદના કારણે જિલ્લાની સેઇ અને પનારી નદીઓમાં પૂર આવ્યા હતા. પાણીની જોરદાર આવકને પગલે બંને નદીઓ નિયત સપાટીથી ઉપર વહી રહી હતી. જેના કારણે આસપાસના ગામો અને લોકોને એલર્ટ કરી સલામત સ્થળે ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *