ગુજરાતનું ન્યાયતંત્ર : અંધેર નહીં, લેકીન દૈર બહોત હૈ

2

જજસાહેબોને ફર્નિચરથી સજાવેલા બંગલા, વોચમેન, ઘરકામ માટે નોકર અને મોટરકાર સહિતની સુવિધા સરકાર પૂરી પાડે છે. કરદાતાના ભોગે આ સઘળું તેમને મળી રહ્યું છે. જેટલી સુવિધા મળે છે તેટલા પ્રમાણમાં કામ થવું જોઈએ. નૈતિકતા સાથે સંકળાયેલી આ બાબત છે
વહીવટની દરેક શાખામાં કાર્યક્ષમતાના ધોરણ છે. માત્ર યાયતંત્રમાં તેનો અભાવ છે. સ્વાતંત્ર્યના આટલાં વર્ષમાં ન્યાયતંત્રએ કઈ રીતે કાર્ય કરવું તેની કોઈ માર્ગદર્શિકા નક્કી થઈ નથી. સુપ્રીમ કોર્ટના આદેશને પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સબોર્ડિનેટ કોર્ટ ઘોળીને પી જતી હોય તેવા સંખ્યાબંધ દૃષ્ટાંત આપી શકાય તેવું છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ દ્વારા સંકલિત કરવામાં આવેલી વિગત પ્રમાણે હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ અને કેરળમાં ૧૦ વર્ષ જૂના કેસ શૂન્ય છે. તેમાં કેન્દ્રશાસિત ચંડીગઢનો પણ સમાવેશ થાય છે. જ્યારે માત્ર એક ટકો કેસ પડતર જે ૧૦ વર્ષ જૂના છે તેમાં દિલ્હી, આસામ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટકનો સમાવેશ થાય છે.
ગુજરાત જે ખૂબ જ ઊંચી વહીવટી કાર્યક્ષમતા ધરાવે છે તેની ન્યાયિક કાર્યક્ષમતા શરમજનક છે. ગુજરાતમાં ૧૦ વર્ષ જૂના કોર્ટકેસ ૩ લાખ ૪૯ હજાર છે જ્યારે એકંદર પડતર કેસની સંખ્યા ૧૭ લાખ ૫૮ હજાર જેટલી છે. સમગ્ર દેશના ૨૦ ટકા પડતર કેસ સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે જે વાસ્તવમાં ન્યાયતંત્ર માટે યોગ્ય બાબત નથી. ગુજરાતની ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સબોર્ડિનેટ કોર્ટમાં પ્રોપર્ટી અને મકાનમાલિક-ભાડૂતને લગતા કેસનો ૨૦-૨૫ વર્ષ પછી પણ નિકાલ આવતો નથી. ગુજરાતના ૩૩ જિલ્લાની અદાલતોનું ગુજરાત હાઈ કોર્ટ દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવતું નથી. આ બાબતે જાહેરમાં ફરિયાદ કરવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી.
ગુજરાતમાં ફાસ્ટ ટ્રેક અદાલતો-સાંધ્ય અદાલત અને ફેમિલી કોર્ટ હોવા છતાં જજની કાર્યપદ્ધતિ કાર્યક્ષમ નહીં હોવાથી ૧૦ વર્ષ જૂના કેસની સંખ્યા વધતી જાય છે. આ બાબત ટીકાને પાત્ર છે. જજસાહેબો અન્યની ટીકા કરે છે, પરંતુ ખુદ તેમનો કારોબાર બહુ વખાણવા લાયક દેખાતો નથી. ડિસ્ટ્રિક્ટ કોર્ટની કામગીરીમાં પક્ષકારોને ભારોભાર અસંતોષ દેખાય છે.
જો અન્ય રાજ્યો નવી નવી પદ્ધતિ અને બિનજરૂરી પેપરવર્ક ઓછું કરીને ન્યાય તોળી શકે તો તેવી જ કામગીરી ગુજરાતની ડિસ્ટ્રિક્ટ અને સબોર્ડિનેટ કોર્ટમાં કેમ ન થાય? જજસાહેબોને ફર્નિચરથી સજાવેલા બંગલા, વોચમેન, ઘરકામ માટે નોકર અને મોટરકાર સહિતની સુવિધા સરકાર પૂરી પાડે છે. કરદાતાના ભોગે આ સઘળું તેમને મળી રહ્યું છે.
જેટલી સુવિધા મળે છે તેટલા પ્રમાણમાં કામ થવું જોઈએ. નૈતિકતા સાથે સંકળાયેલી આ બાબત છે. પ્રજામાં ન્યાયતંત્ર સામે ગણગણાટ થઈ રહ્યો છે. અસંતોષ જોવા મળે છે તેવે વખતે ગુજરાત હાઇ કોર્ટ દ્વારા તાબાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ૧૦ વર્ષ જૂના કેસ પડતર હોય તેના નિકાલ માટે ટોચની અગ્રતા આપવાની જરૂર છે. આ માટે ઝુંબેશ ચલાવવી રહી. દરેક એ વાત જાણે છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સબોર્ડિનેટ કોર્ટ ભ્રષ્ટાચારથી લથબથ છે. બંને પક્ષના ધારાશાસ્ત્રીઓ કેસમાં વિલંબ થાય તેમાં જ રસ ધરાવે છે. આવે વખતે પ્રશ્ર્ન એ છે કે શું ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાની વ્યક્તિની જાણ બહાર આવી વાત હોય શકે? ઘણું ખોટું થઈ રહ્યું છે.
ન્યાયતંત્ર દ્વારા મકાનમાલિકને તેની પ્રોપર્ટીનો કબજો કહેવાતા ભાડુત પાસેથી ૪૮ વર્ષે અપાવવામાં આવે તેમાં ન્યાયનો કયો હેતુ સિદ્ધ થાય છે? માનસિક ત્રાસ-નાણાકીય બરબાદી અને કરોડો માનવકલાકોની બરબાદી તેની કિંમત ન્યાયતંત્ર કઈ રીતે ગણશે? ન્યાયતંત્રમાં સાફસુફીની તાતી જરૂર છે. આ કોઈ ટીકા નથી, પરંતુ પ્રજાની માગણી છે.
હવે તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સબોર્ડિનેટ અદાલતમાં વીડિયો શૂટિંગની પરવાનગી આપવામાં આવી છે. હાલ સુધી નહોતું. સંબંધિત પ્રધાનોએ ન્યાયતંત્રની કામગીરી સુધરે, કાર્યક્ષમતા દેખાય અને તેમની કામગીરી પ્રજાલક્ષી બને તેવું કરવાની જરૂર છે. અહીં દબાણની વાત નથી, પરંતુ કામગીરી સુધારવાની વાત છે. છેલ્લા ૧૦ વર્ષમાં બૅન્કનું ચિત્ર બદલાયું છે. આધુનિક સુવિધા મળી રહી છે, ઈન્સ્યોરન્સ કંપની અને શિક્ષણ સંસ્થામાં કામગીરીમાં તાજગી દેખાય છે. જન્મ-મરણના દાખલા ઇમેઈલથી મળે છે, ડ્રાઇવિંગ લાઇસન્સ અને તેવી જ બાબતો ઝડપભેર મળી રહી છે. માત્ર ન્યાયતંત્રની કામગીરીમાં જ તરવરાટ દેખાતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *