ગુજરાતના ખેડૂતો દેશના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત:નિરંજન સાધ્વીજી સવા લાખ કૃષિ વીજ જોડાણો મંજુર કરવાની દિશામાં સરકાર કામ કરી રહી છે:રૂપાણી

m1

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના ખેડૂતોની પાણીની ચિંતા બાબતે સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો સત્વરે ‘સૌની’ યોજના મારફતે ભરવાની ખાત્રી ઉચ્ચારી હતી તથા પાણીને લઈને સૌરાષ્ટ્રનાં ખેડૂતો પરેશાન નહીં થાય એવી હૈયાધારણા ખેડૂતોને પાઠવી હતી.
ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલા રાજકોટ-મોરબી જિલ્લાના સંયુકત કૃષિ મહોત્સવનો મુખ્યમંત્રી રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ કૃષિકારોના સમૂહને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યભરના ખેડૂતો માટે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે સવા લાખ કૃષિ વીજ જોડાણો મંજૂર કરવાની દિશામાં કાર્ય કરી રહી છે. વર્ષ ૨૦૧૩ સુધીના તમામ પેન્ડીંગ વીજ જોડાણ ૨૦૧૭ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવા મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી.
મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપવા સાથે વીજળી-પાણી- બજાર- પાકવીમો- ટેકાના ભાવે ખરીદી, વગેરે બાબતે રાજ્ય સરકારે લીધેલા પગલાંની વિગતો આપી કૃષિકારોને સવલતો આપવામાં રાજ્ય સરકાર કોઈ કચાશ રાખશે નહીં તેમ ઉમેર્યુ હતું.
ખેડૂતોની સમૃદ્ધિ થકી જ રાજ્યની સમૃદ્ધિ સાધી શકાશે એવો આશાવાદ વ્યકત કરતાં મુખ્યમંત્રીએ પાણીના દુકાળને ભૂતકાળ બનાવવા માટેની સરકારની કાર્યશૈલીની વિસ્તારપૂર્વક રજૂઆત કરી હતી.
‘અયોધ્યામે રામ, યુવાઓકો કામ, કિસાનો કો સહી દામ, મહંગાઈપે લગામ’ એવી કાવ્યસભર વાત કરતાં મુખ્યમંત્રી લાગણીસભર થઈ ગયા હતાં અને રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકાર શકય તમામ પ્રયત્નો કરી છૂટશે, એવી બાંયધરી રૂપાણીએ ઉપસ્થિત ખેડૂતોને આપી હતી.
કેન્દ્રીય ફુડ પ્રોસેસીંગ વિભાગના રાજ્યમંત્રી નિરંજન સાધ્વીજીએ ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો દેશના અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારે અમલી બનાવેલી વિવિધ કૃષિ કલ્યાણલક્ષી યોજનાઓની મંત્રીએ સરાહના કરી હતી અને રાજ્યમાં થઈ રહેલા ખેતીના વિકાસ બદલ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતાં.
કેન્દ્રીય ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી રામકૃપાલ યાદવે રાજ્ય સરકારના કૃષિ વિકાસ પ્રત્યેના અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્યના ૧૮૦૦૦ ગામડાઓ માટે કૃષિ મહોત્સવ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે, ખેડૂતોને ખેતી માટે પ્રોત્સાહન મળ્યું છે તથા કૃષિ ઉત્પાદન ક્ષેત્રે નેત્રદિપક પ્રગતિ નોંધાઈ છે જે કૃષિ મહેાત્સવની સફળતાના અગત્યના પુરાવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *