ગંદા થયેલા કપડાં ગુસ્સાથી સફેદ થવાનાં?

page-4

એક બીજી વાત પણ વિચારણીય છે કે ગાડીવાળો ખાસ જાણી જોઇને તો તમારી ઉપર કાદવ ઉછાળતો નથી. અજાણતા જ તમારા ઉપર કાદવ ઉછળી ગયો છે. તો પછી શા માટે મનને બગાડવું ? જ્યારે કપડાં બગડતા બચાવવા શકય ન બન્યા ત્યારે કમ સે કમ મનને બગડતું તો અટકાવી દો ! એ તમારા હાથમાં છે. જ્યારે સામેવાળી વ્યકિત તમને હેરાન કરવા ન માંગતી હોવા છતાં તે જાણે-અજાણે તમને હેરાન કરવામાં નિમિત્ત બની જતી હોય ત્યારે માનવું પડે કે તેવા પ્રકારની જ નિયતિ છે. નિયતિ જ તેમાં દોષરૂપ છે. તમે જ્યારે ખુલ્લા પગે જતા હો અને ત્યારે જ ગીર્દીમાં કોઇના બુટ નીચે તમારો પગ કચડાઇ જાય, ત્યારે ઉકળાટ, આવેશ, આવેગ શા માટે ? શું કદાપિ તમારા દ્વાર કોઇનો પગ કચડાયો જ નથી ? સામેવાળી વ્યકિત જાણી જોઇને તો તમારા પગને કચડતી નથી ને ? તમારો પગ કચડાય તેમાં સામેવાળી વ્યકિત દોષિત છે કે આખરે તમારી જ ભવિતવ્યતા ગુનેગાર છે ? તે બાબત શાંતિથી વિચારો. માત્ર આ પુસ્તકને ઝડપથી વાંચવામાં આગળ ન દોડો.
એક વાત સતત ઘૂંટો કે ‘હોની અનહોની નથી થતી.’ પછી આવા નાના નાના સંક્લેશો ઘટવા લાગશે. નવા નકોર વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડા ઉપર કોઇની પાનની પિચકારી કે શાહીના છાંટા ઉડે ત્યારે મન સ્વસ્થ રહે ખરું? કે પિચકારી ઉડાડનાર ઉપર ગુસ્સો આવે? તમે તે વ્યકિતને ગાળ આપો કે તેના ઉપર ગુસ્સો કરો એટલા માત્રથી તમારા કપડા સફેદ થઇ જવાના છે ? ઊલટું તમારું મન કાળુંમેશ થઇ જશે.
આવી બધી ઘટનાઓ પ્રત્યે હોનહારને જવાબદાર ઠેરવી મનને સ્વસ્થ રાખી લેવા જેવું છે. અરે ! જેના ઉપર તમે બહુ મોટો ઉપકાર કર્યો હોય અને એ વ્યકિત પણ જો કટોકટીના સમયમાં તમને સહાય કરવા તૈયાર ન હોય ત્યારે તે વ્યકિતને પણ દોષિત માની લેવાની ભૂલ ન કરતા. હોનહાર જ જ્યારે તેવા પ્રકારની હોય તો સામેવાળી વ્યકિત શું કરશે ? શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને નજર સમક્ષ રાખો. તમે કદાપિ સામેવાળી વ્યકિત પ્રત્યે માનસિક પણ અણગમો કરી નહીં શકો.
ટૂંકમાં, આ હોનહાર પોલિસી એટલું જ કહે છે કે –
‘જ્યારે જે થવાનું નિયતિમાં લખ્યું છે ત્યારે જ, તે જ થવાનું જ છે. તેમાં ફેરફાર કરવાની કોઇની તાકાત નથી. હોની કદાપિ અનહોની થતી નથી. હોનહારને ઓળંગી કોઇપણ વ્યકિત કદાપિ પોતાના ઇચ્છીત લક્ષ્યને પામી શકી નથી. તો પછી જીવનમાં ઘટી જતી પ્રતિકૂળ ઘટનાઓમાં શા માટે મનને બગાડવું?
હોનહારને જ લક્ષમાં રાખી મનની સમાધિ ન ટકાવી શકીએ?’ ચલો! આ હોનહાર પોલિસીને અપનાવવા દ્વારા શીઘ્રતયા ક્રોધથી છૂટકારો મેળવીએ. જો આ હોનહાર પોલિસી પણ જીવનમાં ઉતારી શકયા તો માની લેજો કે તમારા હોનહારમાં ક્રોધવિજય લખાયેલ જ છે!!!
અમદાવાદથી મુંબઇ જવા માટે નીકળનાર માણસને રસ્તામાં જો પાલનપુર, હિંમતનગર અને આબુ જેવા સ્થળોના દર્શન થાય તો શું સમજવું? એ જ ને કે એ માણસ ઉંઘે રસ્તે છે. કારણ કે જો તે અમદાવાથી મુંબઇના રસ્તા ઉપર હોય તો રસ્તામાં વડોદરા,ભરુચ, સુરત, નવસારી… આ બધું આવે. પાલનપુર, હિંમતનગર, આબુ નહી. આટલી સમજણ તમારી એકદમ ચોક્સી છે. આ જ સમજણને ‘રોડ’ પોલિસી દ્વારા અધ્યાત્મક્ષેત્રે લાગુ પાડવાની છે.
જગતની દરેક વ્યક્તિ સુખાભિલાષી હોય છે. સુખ માટે જ તે પ્રવૃતિ કરી રહેલ હોય છે. પણ, શાસ્ત્રકારો એટલું જ કહેવા માંગે છે કે તમારે સુખ મેળવવું હોય તો સુખ સુધી પહોંચાડે તેવા રસ્તે મુસાફરી કરવી પડશે.સુખ સુધી પહોંચાડનારા રસ્તે છો કે બીજા જ કોઇક ભળતા રસ્તે છો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *