ખેડૂતોને વધારાના બે કલાક વીજ પુરવઠો અપાશે:સાપરિયા

l2

રાજ્યના ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લઈને રાજ્યભરના ખેડૂતોને વધારાના બે કલાક વીજ પુરવઠો આપવાનું નક્કી કર્યું છે.
રાજ્ય સરકારના આ ખેડૂતલક્ષી નિર્ણય સંદર્ભે વધુ માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, મગફળી અને ડાંગર પકવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી પુરૂ પાડવા જરૂરી વધારાનો વીજ પુરવઠો આપવાની ખેડૂતોની લાગણીનો રાજ્ય સરકારે તાત્કાલિક પ્રતિભાવ આપ્યો છે અને ખેડૂતોની આ લાગણીને ધ્યાને લઈને રાજ્ય સરકારે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ખેડૂતોને હાલ જે વીજ પુરવઠો મળે છે તેમાં વધારાના બે કલાક ઉમેરી રાજ્યભરના ખેડૂતોને કુલ દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય કર્યો છે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નિર્ણયને લીધે રાજ્યના મગફળી અને ડાંગર પકવતા ખેડૂતો તેમના પાકને પૂરતું પિયત આપી શકશે. ભૂતકાળમાં પણ રાજ્યના ખેડૂતોને જ્યારે જ્યારે જરૂરિયાત જણાઈ છે ત્યારે જે તે વિસ્તાર અને પાકની જરૂરિયાત મુજબ રાજ્ય સરકારે તાત્કાલિક નિર્ણય લઈને રાજ્યના ખેડૂતોને વધારાનો વીજ પુરવઠો પૂરો પાડ્યો છે. એમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *