સ્વાઈન ફલુ રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકાર યુધ્ધના ધોરણે કામગીરી કરે છે:શંકર ચૌધરી

રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી શંકર ચૌધરીએ જણાવ્યુ ંછે કે, રાજ્યમાં સ્વાઈન ફલૂના રોગને નિયંત્રણમાં લેવા રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહેલ છે. આરોગ્ય વિભાગના સઘન આયોજન અને સમયસરના પગલાંને લીધે ૬૮૧થી વધુ લોકોને સારવાર મળતા સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યભરમાં આરોગ્યલક્ષી સુવિધાઓ તથા આરોગ્યકર્મીઓની ટીમો દ્વારા ત્વરીત સારવાર પણ આપવામાં આવી રહી છે.
ચૌધરીએ ઉમેર્યું હતું કે, સ્વાઈન ફલૂના રોગને નિયંત્રણમાં લેવા માટે તથા લોકોને ત્વરીત અને ઘનિષ્ઠ સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ રોજબરોજ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે આંકડાકીય વિગતો આપતાં જણાવ્યું કે, તા.૧લી જાન્યુ.થી ૧૫ ઓગસ્ટ-૨૦૧૭ સુધીમાં ૧૮૮૩ સ્વાઈન ફલૂના પોઝીટીવ કેસો મળ્યા છે.
જેમાં પ્રથમ ૬ માસમાં ૨૫૬ કેસ, જુલાઈમાં ૩૨૨ અને ઓગસ્ટમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૦૫ કેસ નોંધાયા છે, જે પૈકી ૯૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં સારવાર દરમિયાન ૨૦૮ દર્દીઓના મૃત્યુ સ્વાઈન ફલૂના કારણે થયા છે, જે મૃત્યુ થયા છે તે પૈકી ૬૦ ટકા લોકોને એક યા બીજી ગંભીર બિમારી સાથે સ્વાઈન ફલૂ થવાથી મૃત્યુ થયું છે. જે પૈકીના ૩૬ ટકાને ડાયાબિટીસ, ૨૯ ટકાને હૃદયની બીમારી, ૧૦ ટકાને ફેફસા-અસ્થમા ટીબી. જેવા રોગો, ૧૦ ટકાને કિડનીના રોગો, ૨ ટકાને જન્મજાત ખોડખાપણ અને ૧૫ ટકાને કેન્સર, એઈડ્સ થાઈરોઈડ જેવી ગંભીર બીમારીઓ હતી.
ચૌધરીએ ઉમેર્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યકર્મીઓ થકી પ્રથમ તબક્કામાં ઘરે-ઘરે જઈને ૪ કરોડથી વધુ લોકોના સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે. સાથે સાથે ૫ હજારથી વધુ એમબીબીએસ ડોકટરો સહિત ૧૭ હજારથી વધુ આરોગ્યકર્મીઓની ટીમો ખડેપગે સેવા બજાવી રહી છે. આ રોગની સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એડલ્ટ વ્યકિતઓ માટે ૪૫૦ અને બાળકો માટેના ૫૩ વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. દવાનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે. જેમાં ૧૫ લાખથી વધુ ટેમીફલૂ અને ૩ હજારથી વધુ ટેમીફલૂ સીરપનો જથ્થો ઉપલબ્ધ છે.
હાલ બી.જે. મેડીકલ, સોલા, એનએચએલ. મેડીકલ કોલેજ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને ભૂજ એમ કુલ ૦૯ તબીબી મહાવિદ્યાલયોમાં સુવિધા ઉપલબ્ધ છે. તથા ૦૨ ખાનગી લેબોરેટરીને પણ મંજૂરી આપવામાં આવી છે. અગાઉ આ ટેસ્ટ માટે પુના સેમ્પલ મોકલવા પડતા હતાં પણ હવે ગુજરાતમાં ૦૯ જગ્યાએ વિનામૂલ્યે ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની અંદર આરોગ્યકર્મની કુલ ૧૭,૦૦૦ જેટલી ટીમો ફરજ બજાવી રહી છે. ઉપરાંત રાજ્યમાં ૪૩,૦૦૦ આશાબહેનો અને ઉષાબહેનો પણ પાયાની કામગીરી કરી રહેલ છે. આ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ ૪ કરોડથી વધુ વ્યકિતઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. બીજા તબક્કાના આવર્તનમાં ૨ કરોડથી વધુ વ્યકિતઓને સર્વેલન્સની કામગીરી ચાલુ છે. રાજ્યમાં ૫૦૦૦થી વદુ એમ.બી.બી.એસ. ડોકટરો ઘનિષ્ઠ સારવાર આપી રહ્યા છે. અને ૩૦૦૦થી વધુ આયુષ ડોકટરો પણ સર્વેલન્સ તેમજ જનજાગૃતિની કામગીરી બજાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *