કોંગ્રેસની મતલક્ષી રાજનીતિ ખુલ્લી પડી છે:મોદી ટ્રીપલ તલાક અને રામમંદિર ભાજપા માટે મતોના મુદ્દા નથી

dd

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધંધુકા, દાહોદ અને નેત્રંગ ખાતે ગુજરાત વિકાસ રેલીને સંબોધી કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધંધુકા ખાતે ગુજરાત વિકાસ રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે, ભાજપાના શાસન પહેલા ધંધુકામાં પ્રભાત શાખા લગાવવી હોય તો પણ પાણીની અછતના કારણે લાઈનમાં ઉભા રહેવું પડતું હોઈ તે સંજોગોમાં તે શકય બનતું ન હતું. ધંધુકાથી અમદાવાદ લોકલ ટ્રેનમાં જવું હોય તો એટલો બધો સમય લાગતો કે આખે આખી ચોપડી વંચાઈ જાય. આ પરિસ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમ્યાન હતી. તે સમયે એક કહેવત પ્રસિધ્ધ હતી કે, ‘દીકરીને બંદુકે દેજો પણ ધંધુકે ન દેતા’ અર્થાત પાણીની એટલી બધી સમસ્યા એ વિસ્તારમાં હતી કે, ત્યાં કોઈ વ્યકિત પોતાની દીકરીના લગ્ન કરાવવાનું પણ નહોતા વિચારતા. ભાજપાએ નર્મદા યોજના લાવીને આ જુની કહેવતને પણ ખોટી પાડવાનું કામ કર્યું અને સમગ્ર વિસ્તારનો વિકાસ કરવામાં પણ સફળ રહી છે.
તેઓએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની આગાહી વચ્ચે આટલી મોટી સંખ્યામાં લોકોેના આશીર્વાદ મળ્યા છે તે કારણે હું ધન્ય થઈ ગયો છું. તેમણે જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી સતત ‘ઓખી’ વાવાઝોડાની ખબર ચાલતી હતી પણ આ ગાંધીની ધરતી છે. ત્યાં ગમે તેવો ઉકાળો હોય એ આવીને ઠંડો પડી જાય છે. તેના સંદર્ભમાં કોંગ્રેસ પર કટાક્ષ કરતાં તેઓએ જણાવ્યું કે, ‘આવે છે- આવે છે- આવે છે, પરંતુ અહિંયા કશું જ નહીં આવે.’ તાજેતરમાં આવેલા ઉત્તર પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામમાં પણ કોંગ્રેસ સાફ થઈ ગઈ છે.
મોદીએ શ્રી બાબા સાહેબના મહાપરિનિર્વાણ તિથિએ શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, બાબા સાહેબે વર્ષો પહેલા પાણીનું સામર્થ્ય અને સિંચાઈ યોજનાની વાત કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો વિચાર આપણને બાબા સાહેબે આપ્યો હતો. બાબા સાહેબે પોતાના વ્યકિતત્વ, જ્ઞાન, બુધ્ધિ, અને સામર્થ્યનો પરિચય સમગ્ર દુનિયાને કરાવ્યો. માત્ર કાયદાકીય નહીં પણ દેશના સામાજીક તાણાવાણાને જોડતું અદ્ભૂત સોશીયલ ડોકયુમેન્ટ તરીકે આપણને તેમના પ્રયત્નોના કારણે બંધારણ મળ્યું. આવા વ્યકિતત્વને ભારત રત્ન આપવાનું કોંગ્રેસ પાર્ટીને ન પાલવ્યું. મોદીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી નમન કરતાં જણાવ્યું કે, સામાજીક એકતાનો, સમાજના છેવાડાના માનવીને સાથે રાખીને વિકાસનો સંદેશો બાબા સાહેબે આપ્યો છે તેને આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ.
મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં ‘લંગડી વિજળી’ આવતી હતી. ટ્રાન્ફોર્મરની સંખ્યા દોઢ-પોણા બે લાખ જેટલી હતી.ભાજપાએ માત્ર ૧૦ વર્ષના ગાળામાં કોંગ્રેસ કરતાં દસગણું વધુ કામ કરી બતાવ્યું છે.
ગુજરાતની રાજ્ય સરકારે ખેડૂતોને લક્ષીને એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, ખેડૂતોને લોન પર વ્યાજ નહીં ચૂકવવું પડે. ભાજપાની નીતિ રહી છે કે, તેઓ ખોટી લોલીપોપની વાતો નથી કરતાં પરંતુ કાયમી ફાયદા આપે છે. આવનારા દિવસોમાં ખેતરે-ખેતરે સોલાર પંપ લગાવવા માટે સરકાર કટિબધ્ધ છે.
મોદીએ કહ્યુ કે, મારું સ્વપ્ન છે કે, ભારતનું મોટામાં મોટું વહાણવટાનું મ્યુઝિયમ ધોલેરા ખાતે બને અને અહીં ટુરીઝમનો વિકાસ થાય. પહેલા ધોલેરામાં જમીનને કોઈ પૂછતું ન હતું પરંતુ ભવિષ્યમાં આવનારા આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા અને એસ.આઈ.આર.ના કારણે આવતા ૧૦ વર્ષોમાં ધોલેરા ગુજરાતના બીજા શહેરોની હરોળમાં આવી જશે.
મોદીએ કોંગ્રેસની બેધારી નીત પર વાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ માત્ર રાજકીય કાવા-દાવા કરવા માટે ચૂંટણીઓને ધ્યાનમાં રાખતી હતી. રાજીવ ગાંધીના સમયથી અટવાયેલા ટ્રીપલ તલાકના મુદ્દે ભાજપાએ ઉત્તર પ્રદેશની ચૂંટણીઓની પરવા કર્યા વગર પોતાનું એફિડેવિટ રજુ કર્યું હતું અને માત્ર ચૂંટણીઓ જીતવા માટે મુસ્લીમ સમુદાયના બહેનોની જીંદગીને દાવ પર ન લગાડી શકાય તેવા માનવતાના ઉદાહરણ ભાજપાએ રજુ કર્યા છે.
વડાપ્રધાને દાહોદ ખાતે ગુજરાત વિકાસ રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે, જેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણે પ્રજાને આફતમાંથી ઉગારવા ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો તેવી જ રીતે આપણે પણ ૧૪મી તારીખે કમળ પર બટન દબાવીને ભાજપાને જીતાડીએ અને કોંગ્રેસનો એકપણ પંજો ગુજરાતમાં ન પડવા દઈએ.
મોદીએ જણાવ્યું હતું કે, ભાજપાના મનમાં હંમેશ એક જ વિચાર હોય છે ગરીબોનું ભલું કેમ કરી શકાય. ભાજપાના શાસન પહેલા ગરીબોનો વીમો નહોતો ને હાલમાં માત્ર ૯૦ પૈસામાં ભાજપાએ ગારીબોના વીમા ઉતરાવ્યા અને ૧૮૦૦ કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે. ભાજપાની સરકાર ગરીબોની બેલી છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે કોંગ્રેસના એક પાત્ર કપિલ સિબ્બલે દેશની સર્વોચ્ચ અદાલતમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર બાબતે કેસની સુનાવણી ૨૦૧૯ની ચૂંટણીઓ સુધી ટાળવા દલીલ કરી. આજે સુન્ની વકફ બોર્ડે નિવેદન આપ્યું કે, ગઈકાલે વકીલ કપિલ સિબ્બલે જે કોર્ટમાં કર્યું તે ખૂબ જ ખોટું કર્યું છે. ત્વરિત ન્યાય આવે તેવી અમારી માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *