કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને સામેલ કરવાની સંભાવના સંસદ સત્ર બાદ મોદી કેબિનેટમાં ધરખમ ફેરફારના સંકેતો

a1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટમાં ધરખમ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. સુત્રોના કહેવા મુજબ ૧રમી એપ્રિલના દિવસે સંસદનુ સત્ર પૂર્ણ થઇ ગયા બાદ કેબિનેટમાં ફેરફાર કરવામાં આવનાર છે. કેટલાક નવા ચહેરાને તક મળી શકે છે. કેટલાક પ્રધાનોના ખાતામાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ અને ભાજપને શાનદાર સફળતા મળ્યા બાદ મોદી સરકાર વધારે ઝડપથી સુધારા પગલાની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. મનોહર પારિકરને ગોવાના મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી સોંપી દેવામાં આવી છે. જેથી તેમની જગ્યા હાલમાં ખાલી છે. તેમની જવાબદારી હાલમાં તો નાણાંપ્રધાન અરૂણ જેટલીને સોંપવામાં આવી ચુકી છે. એવી શક્યતા છે કે મોદી સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી અન્યને સોંપી શકે છે. વર્ષ ર૦૧૪ની લોકસભા  ચૂંટણીમાં જીત બાદ સંરક્ષણ મંત્રાલયની જવાબદારી જેટલીને સોંપવામાં આવી હતી.

ત્યારબાદ તેમને ગોવામાંથી બોલાવી લઇને સંરક્ષણ પ્રધાન બનાવાયા હતા. હવે ફરી ગોવાના મુખ્યપ્રધાન બન્યા છે. સંરક્ષણ જેવા મહત્વના ખાતા પર વધારે ધ્યાન જરૂરી છે. જેથી આ ખાતામાં અનુભવી વ્યક્તિને રાખવામાં આવી શકે છે. વિદેશી પ્રધાન તરીકે સુષ્મા સ્વરાજની જવાબદારી પણ અન્ય કોઇને સોંપવામાં આવી શકે છે. કારણ કે તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા બાદ હવે તેમને આરામની જરૂર પડી રહી છે.

જો કે ત્રણ મહિના બાદ સંસદમાં આવ્યા બાદ  સુષ્મા ખુશ દેખાયા હતા. સુષ્માએ ૧૫ મિનિટ સુધી ભાષણ પણ આપ્યુ ન હતુ. ફેરફાર કરતી વેળા કેટલાક નવા ચહેરાને સામેલ કરવામાં આવી શકે છે. કેટલાક રાજ્ય પ્રધાનોને પ્રમોશન પણ મળી શકે છે. મોદી સરકાર તેમની અવધી ત્રીજા વર્ષની પૂર્ણ કરી રહી છે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યા બાદ કેન્દ્રિય કેબિનેટમાં પણ ફેરફારની તૈયારી શરૂ થઈ ચુકી છે.

મોદી સરકાર નવા ચહેરાઓને તક આપીને તેના મુખ્ય મંત્રાલયોને વધુ મજબૂત કરવા ઈચ્છુક છે. મોદી સરકારે છેલ્લે ગયા વર્ષે જુલાઈ મહિનામાં કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું. તે વખતે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની જવાબદારી સ્મૃતિ ઈરાની પાસેથી લઈને આ જવાબદારી પ્રકાશ જાવડેકરને સોંપવામાં આવી હતી. જ્યારે સ્મૃતિ ઈરાનીને કાપડ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. વેકૈંયા નાયડુને અરૂણ જેટલીની જગ્યાએ માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે પત્રકારત્વ સાથે જોડાયેલા એમજે એકબરને વિદેશ રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ૧રમી એપ્રિલ બાદ કોઈપણ સમયે કેબિનેટમાં ફેરફાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *