કાશ્મીર મુદ્દાને વૈશ્ર્વિક ફલક પર ઉછાળવાના પાકિસ્તાની અટકચાળા

a2

પાડોશી દેશ પાકિસ્તાન ભુરાયો થયો છે. સંયુકત રાષ્ટ્રની બેઠક ટાણે જ એના હંગામી વડાપ્રધાન શાહીદ ખાન અબ્બાસીએ ભારત પર અણુ હુમલાની ધમકી ઉચ્ચારવા ઉપરાંત કાશ્મીર મુદૄાને પણ ચગાવ્યો છે ઘર આંગણે પોતાના નાગરિકોના માનવ અધિકારોની રક્ષા કરવામાં નિષ્ફળ ઈસ્લામાબાદ સંયુકત રાષ્ટ્રના મંચ પર નવી દિલ્હીને કાશ્મીઓના માનવઅધિકારોનું હનન કરનાર લેખાવવાની ગાજવીજ કરે છે. ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને સલાહ આપે એવી ઉકતીને અનુસરતું પાકિસ્તાન આયનામાં પોતાના લશ્કરી તાનાશાહ અને આતંકવાદી ચહેરાને જોવાને બદલે કાશ્મીર મુદ્દાને ગજવવાની કોશિશમાં છે. ઓસામા-બિન-લાદેન,મૌલાના મસુદે અઝહર, હાફીઝ મોહમ્મદ સઈદથી લઈને દાઉદ ઈબ્રાહિમ જેવા દુનિયાના ખુનખાર આતંકવાદી અને મોસ્ટ વોન્ટેડને ભીંસ પોષતા પાકિસ્તાન પર ભારતના પ્રયાસોથી અમેરીકી સહાયમાં વધી છે ચીનના ટેકે એ ઉછળકુદ કરે છે, પણ ભારત પણ ગાંજયું જાય એવું નથી, સંયુકત રાષ્ટ્રમાં ઉત્તર વાળવાના અધિકારનો ઉ૫યોગ કરીને ભારતના કાયમી પ્રતિનિધિ એનમ ગંભીરે પાકિસ્તાનની સુફિયાણી વાતો અને જમ્મુ-કાશ્મીર સહિતના ભારતીય પ્રદેશોમાં આંતકી કૃત્યો કરવાના દુ:સાહસને બેનકાબ કરીને એને ‘ટેરરિસ્તાન’ કહેવાનું પસંદ કર્યુ. ‘અલ્લાહ, આર્મી અને અમેરિકા’ એ ત્રણ ‘એ’ના ટેકે અને ભારત દ્રોહ પર ટકેલા પાકિસ્તાનનું અમેરિકાથી અંતર વધી રહયું છે અને એ ચીનનું આંગળીયાત બની રહયું. જો કે ચીન અને અમેરિકા બેઉ માટે પોતાનું થાણું જમાવવા માટે પાકિસ્તાનની ઉપયોગીતા હોવાથી સાવ છુટાછેડા થયા એવું તો ના કહી શકાય.
પાકિસ્તાને પોતે પણ આંતકનો ભોગ
એ સુવિદિત છે કે અમેરિકાએ પોતાનાં હિતો જાળવવા માટે ઓસામા-બિન-લાદેન જેવા આંતકવાદીને તૈયાર કર્યો, પોષ્યો અને અંકુશ બહાર જતાં એને પુરો પણ કર્યો દુનિયાના ફોજદાર થઈને ફરતા અમેરિકાએ તાનાશાહ શાસકોને પણ પોખ્યા છે. આવા સંજોગોમાં પાકિસ્તાનની ધરતી પર એનેે સોવિયત રશિયા સાથેના શીતયુઘ્ઘ્ના દિવસો માં અને અફઘાન મુદૄે આતંકવાદનાં જ વાવેતર કર્યા હતા એના દુષ્યરિણામ પાકિસ્તાન પણ ભોગવી રહયું છે. આજે પણ આંતકવાદી જુથ્થો પાકની ધરતી પરથી નાપાક હરકતો કરતાં રહયાં છે ભારતના જમ્મુ-કાશ્મીરને હડપ કરવાની લાહવમાં પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી શાસકોએ આંતકવાદીઓને પોષ્યા છે. હવે સ્થિતિ એવી આવીને ઉભી છે કે આવાં આંતકવાદી જુથો પાકિસ્તાન માટે જ જોખમ બનીને ઉભાં છે, અનેક જુથો આંતકી હુમલાથી પાકિસ્તાન ગ્રસ્ત છે. જે બાવળીયા એણે પોતે વાવ્યા છે એના કાંટા હવે એને જ પજવે છે.
પાકિસ્તાનને આંતકી દેશ ઘોષિત કરો
ભારતના રાજકીય શાસકો પાકિસ્તાનને આંતકવાદના પોષક રાષ્ટ્ર તરીકે વિવિધ વૈશ્ર્વીક સંગઠનો જાહેર કરે એવી અપેક્ષા કરતા રહયા હોવા છતાં સ્વયં ભારત સરકાર પાકિસ્તાનને આંતકીદેશ જાહેર કરવામાં દ્વિધા અનુભવે છે. ઓછામાં પુરૂ ભારત સરકારની દ્રષ્ટિએ પાકિસ્તાનને ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નું સ્ટેટસ અપાયું છે પણ પાકિસ્તાને ભારતને ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નું ગણાવ્યુ નથી. અગાઉની કોંગ્રેસ સરકારોની ઢીલી નિતીઓના ટીકાકાર વર્તમાન શાસકો ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ભારતનું શાસન કરે છે. અનેકવાર પાકિસ્તાન સાથેની મંત્રણાઓ બંધ કરી દેવાની,અને ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નું સ્ટેટસ રદ કરવાની, પાક સાથેની સિંધુ જળસંધિ તોડી નાંખવાની કે જમ્મુ-કાશ્મીરના પાકિસ્તાન ગપચાવેલા પ્રદેશને પાછો આવવાની ગર્જનાઓ કરતા રહેલા વર્તમાન શાસકો આમાંથી કોઈ બાબતમાં પહેલ કરી શકતા નથી. કયારેક ઉછળી ઉછળીને એના વડાપ્રધાન મિયાં નવાઝ શરીફને ભેટયા પછી એમની સાથે મંત્રણાઓ બંધ કરવાના વલણ થકી ભારત હાસ્યાસ્પદ સ્થિતિમાં આવી ઉંભુ છે.ઈઝરાયલ અને આરબ દેશો વચ્ચે બાયે માર્યા વેર હોય એમ સતત યુઘ્ધ ચાલતું રહયા છતાં મંત્રણાના દોર તુટતા નથી. કાશ્મીરનું કોકડું પાકિસ્તાન સાથે ઉકેલવા પહેલા તો ભારતીય શાસન તળેના જમ્મુ-કાશ્મીરની પ્રજા અને એના સર્વપક્ષીનેતા સાથે મંત્રણાઓ યોજીને મડાગાંઠો ઉકેલાતી નથી, ત્યાં પછી ઈસ્લામાબાદ કે મુઝફરાબાદ સાથે મંત્રણાથી પી ઓકે કે પી ઓજેકેનો પ્રદેશ પાછો મેળવવાની દિશામાં પ્રગતિ કયાંથી થવાની?
આંતકવાદીઓ જાહેર થયા પછી શું?
પાકની ધરતીની પવિત્રતા ખંડિત કરતી એની નાપાક હરકતો જોયા કરવાથી તો એવું મનોબળ દ્રઢ થતુ જાય છેે. એકાદ બે સર્જિકલ સ્ટ્રાઈક કરી લેવાથી કશું વળતું નથી. ભારતે મકકમપણે આગળ વધીને પાકિસ્તાનના ઈશારે ચાલતા આંતકી અડ્ડાને ખેદાનમેદાન કર્યા વિના છુટકો નથી. સંયુકત રાષ્ટ્રસંધ કોઈને આંતકવાદી જાહેર કરે કે ચીન સહિતના દેશો સાથેના સંયુકત નિવેદનમાં પાકની નાપાક ધરતી પર સક્રિય આતંકી જુથોના નામ આવે એટલા માત્રથી કાંઈ હરખાઈ જવાની જરૂર નથી. ૧૯૯૩ની ૧૨ માર્ચે મુંઈબમાં શ્રેણીબઘ્ધ બોમ્બ વિસ્ફોટ કરાવનાર દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં હોવાની ચર્ચાથી કશું વળતુ નથી. કાં તો ઈસ્લામાબાદ સાથેની સમજુતી સાધી એને ભારત લાવીને એની સામે દેહાંતદંડ જેવી સજા થાય એની કાનુની કાર્યવાહી કરાય તો ગનીમત. વાતોના વડાં કરવાથી કશું વળવાનું નથી. વિદેશોમાં રૂપિયા લાખો કરોડથી કાળી કમાણી હોવાની વાતો કરવાથી સ્વિસ બેંકોમાં એ હોવાનો મુદ્દે ચુંટણી લડયા પછી આવાં કાળાં નાણાં સ્વદેશ આણી ન શકાય તો ચુંટણી પ્રચારના આવા મુદ્દા બુમેરંગ થવાનતી શકયતા ખેરી અન્યથા નવી ચુંટણી આવે ત્યારે પ્રજાને ભડકાવવા નવા મુદ્દાઓ રજુ કરીને એમને પાછળથી ‘ચુંટણીના જુમલા’ને જાહેર કરવા જેવી બેજવાબદારી એ દેશ સાથેનો દ્રોહ છે. જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલા કે સરહદ પર છમકલા પાકિસ્તાનનાં ઈશારે થાય છે એના વાણી વિલાસને પ્રજા પણ હવે હાસ્યાસ્પદ ગણવા માંડી છે, ઇન્દિરા યુગમાં જેમ બધી બાબતોનો દોષા સીઆઇએ પર ઢોળવામાં આવતો હતો એવું અત્યારે થાય છે તો પછી શાસકો કરે છે શું ?
પાકિસ્તાન અને ઈસ્લામી દેશો
પાકિસ્તાન સાથેના ચીનના ‘ચાયના-પાકિસ્તાન’ ઈકોનોમિક કરિડોર’ (સીપેક)માં હવે સાઉદી અરેબીયા પણ જોડાઈ રહયું છે. ભારત માટેનું આ સમાચારને વ્યથિત કરનાર લેખવા પડે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબુત થઈ રહયા છે.
એવું માનવા આપણે જયારે પ્રેરાઈ રહયા છે એ ત્યારે જ સાઉદી અરેબિયા જેવો અમેરિકાનો મિત્ર દેશ ચીન સાથેની પાકિસ્તાનની યોજનામાં હિસ્સેદાર બને એ ગંભીર બાબત છે.
સાઉદી અરેબીયા સાથે ભારતના પણ ધનિષ્ઠ સંબધ છે. વિશ્ર્વના મુસ્લિમોનાં બે આસ્થાસ્થળોના સાઉદી રાજવીનો મુસ્લિમ દેશો પરનો પ્રભાવ ઘણો છે. આર્થિક પ્રભાવ પણ છે સાથે જ ચીન સાથે પણ એ નિકટતા કેળવે છે ત્યારે અમેરિકા અને ચીન વચ્ચે ધર્ષણ હોવાની ચર્ચાતી હકીકતોનો પણ છેદ ઉડે છે. ભારતને ભીંસમાં લેવાની આ દેશોની ધારી મજબુત બની રહયાની વાતને રખે આપણે અવગણીએ.
કાશ્મીર વિવાદનું આંતરરાષ્ટ્રીયકરણ
પાકિસ્તાનને ધર આંગણે અને ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના ગપચાવેલા ભારતીય પ્રદેશના લોકોના માનવ અધિકારોને કચડવાના એના વ્યવહારોને જોતા આપણે હરખપદુડા થઈ જવાની જરૂર નથી તે પી ઓકેના લોકો ભારત પ્રત્યે કુણી લાગણી ધરાવે છે. એમને પાકિસ્તાનની રાજકીય અને લશ્કરી શાસકો સામે વાંધો છે પણ એનો અર્થ એ નથી કે તેઓ ભારત સાથે ભળવાની પહેલ કરશે. હકીકતમાં છેક મહારાજા હરિસિંહના વખતથી કાશ્મીરી પ્રજા સ્વતંત્ર રહેવા ઝંખે છે. એને એ માટેની મોકળાશ મળતાંની સાથે જ એ દિશામાં આગળ વધવા કૃતસંકલ્પ છે. ભારતે એમની સાથે સમજણના સેતુ બાંધવાની અનિવાર્યતા આ કારણસર પણ છે.
પાકિસ્તાન તો કોઈપણ ભોગે કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય વિવાદ બની રહે એ માટે પ્રયત્નશીલ છે.જરૂરી એ છે કે ભારત વાતોના વડાં કરવાને બદલે ઈસ્લામાબાદ સાથેના વિવાદના ઉકેલ શોધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *