કાશ્મીરમાં જીએસટી બેઠક, એક પંથ ‘સો’ કાજ!

1

દેશનાં લભગભ તમામ પ્રસારણ માધ્યમોએ આજે કાશ્મીરમાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં તમામ રાજયોનાં નાણામંત્રીઓની જીએસટી મામલે મળેલી બેઠકનાં નિર્ણયોને ખુબ પ્રાધાન્ય આપ્યું. કેટકેટલી ચીજો સસ્તી થશે તેની યાદી છાપી, કઈ ચીજો પર જીએસટી પછી કેટલો ટેક્સ લાગશે તેની પણ છણાવટ કરી પરંતું ભાગ્યે જ કોઈએ ધ્યાન આપ્યું કે જીએસટી જેવા દેશનાં સૌથી મોટા આર્થિક સુધારની બેઠક માટે દેશભરનાં નાણામંત્રીઓને છેક્ કાશ્મીર સુધી સરકારે લાંબા કેમ કર્યા? શું દિલ્હીમાં એકેય હોલ ખાલી નહોતો?
ના, એવું નહોતું. દિલ્હીમાં મિટીંગ-સિટીંગ તો ઠીક પાંચ-પંદર હજાર રાજકારણીઓ છુટ્ટા હાથે ધિંગાણા કરી શકે તેવા ઈન્ડોર-હોલથી માંડી ઈન્ડોર સ્ટેડિયમ સુધી બધ્ધું જ (ખાલી) છે. પરંતુ કાશ્મીરની સ્થળ પસંદગી કરવાનો ઉદેશ જૂદો છે. કેન્દ્ર સરકારને ખ્યાલ છે કે જીએસટી (ગૂડ એન્ડ સર્વિસ ટેક્સ) એ આઝાદ હિન્દુસ્તાનનો સૌથી મોટો ટેક્સ-સુધાર છે અને તેના નિર્ણયથી દેશના અર્થતંત્રમાં સમૂળગી ક્રાંતિ આવવાની એટલે કેવળ ભારત જ નહિં વિશ્ર્વભરની નજર આ કાયદાના ઘડતરની તમામ ગતિવિધિ પર રહેવાની. એમાંય કાશ્મીરમાં મળેલી બેઠક તો બેહદ અહમ અને અંતિમ હોઈ વૈશ્ર્વિક મીડિયાનો જમાવડો પણ થયો છે. અકૉણા પડોશી પાકિસ્તાનનાં પાપે આપણાં કાશ્મીર વિશે જગતમાં જે છબી પ્રસ્તૂત થઈ રહી છે તે કંઈક જૂદી છે. વિશ્ર્વની નજરે ભારતીય કાશ્મીર એટલે અશાંતિ અને આતંકવાદથી ખદબદતો અથવા ત્રાહિમામ્ પ્રદેશ. જૂલાઈ ૧૯૭૨માં બન્ને (ભારત-પાકિસ્તાન) દેશો વચ્ચે થયેલા સિમલા કરાર પછી જમ્મૂ-કાશ્મીર રાજયનાં પશ્ર્ચિમે બનાવાયેલી ૭૪૦ કિ.મી.ની નિયંત્રણ રેખા (લાઈન ઓફ ક્ધટ્રોલ) આજ સુધી આમ જૂઓ તો આઉટ ઓફ ક્ધટ્રોલ જ રહી છે. આ રેખા પર આપણાં ૪૦૦૦૦ સૈનિકોની ચોવીસે કલાકની રખેવાળી હોવા છતાં કેટલાક આતંકી નાના-મોટા હાદસા કર્યે જ જાય છે.
સરહદ પારનાં આતંકી અને ઘરઆંગણાનાં અલગાવવાદીઓમાં બહુ કંઈ ફેર નથી. આ નમકહરામો આપણું ખાય ને આપણું ખોદે છે. જમ્મૂ-કાશ્મીરમાં સ્થાનિક અલગાવવાદીઓએ છેલ્લા બે અઢી દાયકાથી વધુ ઉપાડો લીધો છે. તેના પાપે કાશ્મીરની ઘાટી તો એમ કહો ને કે મીની પાકિસ્તાનમાં પલ્ટાઈ ગઈ છે. છેલ્લા ૨૭ વર્ષનો રેકોર્ડ બોલે છે કે અહીં આંતરિક હિંસામાં કમ-સે-કમ ૪૦,૦૦૦ લોકોનાં મોત નિપજયા છે. તેમાં ૨૧૯૬૫ તો મર્યા જોગ આતંકીઓ હતા પણ અથડામણમાં બાપડા ૧૩૯૪૧ નાગરિકો પણ માર્યા ગયા. મરણનો આ આંકડો અતિ ગંભીર એટલા માટે ગણાય કેમ કે તેમાં ૫૦૫૫ તો જવાનો શહીદ થયા. ૧૯૯૦નો દાયકો કાશ્મીર માટે અતિ ખરાબ રહ્યો હતો. ત્યારે અલગાવવાદીઓ અને આતંકીઓએ કાળો કૈર વર્તાવ્યો હતો. અત્યારે ૨૦૧૭માં અદ્દલ તેના જેવી જ સ્થિતિ છે. સ્વયં ગૃહમંત્રાલયનો રિપોર્ટ કહે છે કે ૧૯૯૦થી એપ્રિલ ૨૦૧૭ સુધીમાં સૌથી વધુ મોત ૨૦૦૧માં થયા હતા જેમાં ૯૯૬ સ્થાનિક લોકો, ૨૦૨૦ આતંકીઓ અને ૫૩૬ સુરક્ષા દળોના જવાનો મળી કુલ ૩૫૫૨નાં મોત થયા હતા. ૨૦૧૩ પછી ફરી આતંકી ઘટનાઓ વધી. ૨૦૧૬-૧૭ તો શાયદ સૌથી વધુ અશાંત વર્ષ રહ્યું.
અખબારો અને ટેલિ મીડિયામાં મુખ્યત્વે આવા જ આંકડાઓ અને હિંસાચારની ઘટનાઓ જ ઉજાગર થતી રહી હોઈ, છબી એવી ઉપસી કે કાશ્મીર આખું ભડકે બળે છે પરંતું સાવ એવું નથી. કાશ્મીરની ૯૫ ટકા પ્રજા અમન-ચાહી પ્રજા છે. ફક્ત પાંચ ટકા અલગવાવાદી ખીરનાં તપેલામાં લીંબુનાં ટીપાંની જેમ ઉમેરાઈને આખી ખીર ખાટી કરી રહ્યા છે. થોડા દિવસો પહેલાં એક અગ્રણી હિન્દી ન્યૂઝ ચેનલનાં સ્ટિંગ-ઓપરેશનમાં કેટલાક ગદ્દારો ઓળખાયા જે સરહદ પારથી પૈસા મેળવી બદલામાં કાશ્મીરનાં યુવકોને પથ્થરબાજ બનાવી રહ્યા છે. કાશ્મીરમાં ૬,૦૦,૦૦૦ (૬ લાખ) યુવાનો બેરોજગાર છે. દાંત હોય એને ચાવણ અને પેટ હોય તેને ખાવણ (ખોરાક) જોવાનું. અલગાવવાદીઓ આવા યુવાનોને પથ્થરબાજ બનવાનાં મહેનતાણા ચૂકવે છે. સંસ્કૃતમાં કહેવાય છે: મૂભૂક્ષિતમ્ કિમ્ ન કરોતિ પાપમ્. ભૂખ્યા લોકો કયું પાપ ન કરે? બેરોજગાર યુવાનો પેટની આગ ઠારવા આખા કાશ્મીરમાં દાવાનળ પ્રગટાવી રહ્યા હોય તેવું ‘ચિત્રણ’ કરાવી અલગાવવાદીઓ સરહદપારનાં ‘આકા’ઓ પાસેથી વધુને વધુ નાણા ખંખેરે. ટીઆરપીની લ્હાયમાં ટેલિ મીડિયા પણ આવા દ્દશ્યો આખો દા’ડો બતાડ્યા કરે એટલે જગતભરમાં એવી ‘છાપ’ બેસી ગઈ કે કાશ્મીર એટલે ધ બર્નિંગ સ્ટેટ! જયારે કે હકીકત ઘણી જૂદી છે.
કાશ્મીરની ૯૫ ટકા જનતા શાંતિ ચાહે છે. કાશ્મીરની ઘાટીમાંથી કેવળ બૂરહાન વાનીઓ જ પેદા થાય છે એવું નથી. અહીં ડોકટર્સ, એન્જિનિયર્સ અને અન્ય ક્ષેત્રે હોનહાર ભૂમિકા અદા કરે તેવા નવયુવાનો પણ છે. તાજેતરમાં સુરક્ષાદળોની ભરતીનો કાર્યક્રમ હતો તેમાં કાશ્મીરી યુવાનો હજજારોની સંખ્યામાં ઊમટી પડ્યા હતા. આ પ્રદેશ, જેટલો વગોવાયો છે એટલો વાસ્તવમાં અશાંત કે અસ્થિર નથી. કાશ્મીરનો સાક્ષરતા દર શું છે જાણો છો? ૬૫ ટકા!
ઘાટી વિસ્તારને બાદ કરો તો મોટાભાગનાં કાશ્મીરીઓ વિકાસ જ ઝંખે છે. પરંતું તેનું લાઈવ કવરેજ થતું નથી. કાશ્મીરના સિકકાની આ બીજી બાજુ ભાગ્યે જ ઉજાગર થાય છે.
આ સંજોગોમાં કેન્દ્ર સરકાર અપીલ, અનૂરોધ, આગ્રહ કે અરજ કરે તો પણ ઈન્ટરનેશનલ મીડિયા કાશ્મીરની આ ‘બીજી બાજુ’ ઉજાગર કરવામાં રસ ન દાખવે. અરે ઈન્ટરનેશનલ છોડો, એકાદ-બે અપવાદરૂપ ચેનલને બાદ કરતાં ઈન્ટરનલ ટેલિ-મીડિયાએ પણ કાશ્મીરની ઊજળી અને આશાસ્પદ સ્થિતિને રજૂ કરી નથી. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે આઝાદ હિન્દુસ્તાનનાં સૌથી મોટા ટેકસ સુધારની આખરી અને અત્યંત અહમ એવી મિટિંગ શ્રીનગર (કાશ્મીર)માં રાખી એક પંથ (દો નહીં પણ) સો કાજ જેવું કામ કર્યું છે.
ભારત સરકાર ‘એક દેશ- એક ટેક્સ’ની મહત્વકાંક્ષી પ્રણાલી લાગૂ કરવા જઈ રહી હોય તેનો દેશ-દુનિયાનાં અર્થતંત્રમાં જબરો પ્રભાવ પડવાનો હોવાથી દુનિયાભરનું મીડિયા શ્રીનગરમાં તીડનાં ટોળાંની જેમ ઉતરી પડ્યું છે.
કેન્દ્ર સરકારે આ બહાને દેશ અને દુનિયાને એ દાખવવાની તક પણ ઝડપી લીધી કે કાશ્મીરમાં હાલાત એટલી પણ ખરાબ નથી જેટલું પાકિસ્તાન પ્રચાર કરી રહ્યું છે. ભારતીય કાશ્મીર આજની તારીખે પણ ધરતી પરનું સ્વર્ગ જ છે. આ સંદેશ વિશ્ર્વભરમાં જવો જરૂરી હતો અને જશે પણ ખરો.
બીજું, જે લોકો હાલાત સામાન્ય થાય તેવી રાહ જોઈ રહ્યા છે તેની સાથે સમૂચો દેશ છે એવું પણ આ બેઠક થકી આશ્ર્વત કરાયું. કાશ્મીરમાં પીડીપી સાથે સત્તામાં ભાગીદાર ભાજપા એવું દર્શાવવામાં મહદઅંશે સફળ રહી કે કાશ્મીરની હકીકતને સડકો પર જારી પથ્થરાવ કે હિંસાના ચશ્માથી પિછાણી નહીં શકાય. કાશ્મીરની દાલ ઝીલ, ગુલમર્ગ સહિતનાં દિલોદિમાગને ખુશહાલ કરનારા અન્ય વિસ્તારોની સહેલગાહ કરાવી કેન્દ્ર સરકારે એવી સફળ કોશિશ જરૂર કરી કે કાશ્મીરની આ પણ હકીકત છે જેને દુનિયાથી છૂપાવવામાં આવી રહી છે. એક અગ્રણી હિન્દી ન્યૂઝ ચેનલના તાજ્જા સ્ટિંગ ઓપરેશને બાકીની કસર પૂરી કરી દીધી. જેનાથી પ્રતિપાદિત્ થયું કે અલગાવવાદી નેતાઓ પાકિસ્તાનનાં પૈસે ઘાટીમાં પથ્થરબાજોને ફાઈનાન્સ કરી રહ્યા છે. એટલે કે કાશ્મીરમાં સળગતાં ઊંબાડીયાં પડોશી મૂલ્કના ઈશારે થાય છે, કાશ્મીર ભીતરથી અશાંત નથી.
કેન્દ્ર સરકારે ભલે જાહેર નથી કર્યું પરંતું જીએસટીની અંતિમ અને નિર્ણાયક બેઠક શ્રીનગર (કાશ્મીર)માં રાખી અનાયાસે વિશ્ર્વ સમક્ષ કાશ્મીરની ઊજળી છબી રજૂ કરવાની તક જરૂર ઝડપી લીધી એમાં બે-મત નથી. આ પ્રયોગ રાષ્ટ્રના હિતમાં છે, સરાહનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *