કસ્બા જુના વણકરવાસ પાસે દાહોદમાં કસાઈઓએ જાહેરમાં પાંચ પશુઓની કતલ કરી

દાહોદ શહેરના કસ્બા, જુના વણકરવાસમાં પાંચ જેટલી ભેંસોને જાહેરમાં દોરડા વડે ક્રૂરતાપૂર્વક પગો બાંધી ખુલ્લામાં કતલ કરી પાંચ જેટલા કસાઈઓ નાસી જતાં પોલીસે સ્થળ પર દોડી જઈ કતલ કરેલ પાંચ ભેંસો, ૮ કુહાડી તથા ૧૧ છરા મળી કુલ રૂપિયા ર૫,ર૭૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લીધાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ કસ્બા, જુના વણકરવાસમાં રહેતા આશિફ સૈયદ કુરેશી, દાહોદ પટડીચોક, મુસ્તુફા ચક્કીવાલાની ગલીમાં રહેતા ઈલિયાસ સમદ કુરેશી, મટન માર્કેટ પાછળ રહેતા શેરુ કુરેશી, ઈનામ અગરબત્તી સ્ટોર્સની પાછળ રહેતા મલમ કુરેશી તથા જુના વણકરવાસ, યાકુબ પહેલવાનના ઘર પાસે રહેતા લાલા કુરેશી એમ પાંચે જણા ભેગાં મળી રૂપિયા ર૫૦૦૦/-ની કુલ કિંમતની પાંચ જેટલી ભેંસોના પગો દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધી ગત રોજ સવારે દાહોદ કસબા, જુના વણકરવાસમાં જાહેરમાં ખુલ્લામાં ક્રૂરતાપૂર્વક કુહાડી તથા છરા જેવા હથિયારો વડે કતલ કરી નાંખી હતી.
આ અંગેની જાણ દાહોદ ટાઉન પોલીસને થતાં જ પોલીસ અધિકારી, કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યારે ભેંસોની જાહેરમાં કતલ કરનાર દાહોદ કસ્બાના ઈલીયાસ સમદ કુરેશી તથા લાલા કુરેશી પોલીસ આવે તે પહેલાં જ નાસી ગયા હતાં.
પોલીસે સ્થળ પરથી કતલ કરેલ પાંચ ભેંસો, કુહાડી નંગ-૮ તથા છરા નંગ ૧૧ મળી કુલ રૂપિયા ર૫,ર૭૦/-નો મુદ્દામાલ કબજે લઈ કતલ કરેલ ભેંસોનો યોગ્ય નિકાલ કરી કસ્બાના ઉપરોક્ત પાંચેજણા વિરુદ્ધ ગુજરાત પશુ ઘાતકીપણાની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *