કપાસ, રાયડો, જીરૂના પાકને નુકસાન મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં કમોસમી માવઠું : વાતાવરણ ઠંડુગાર

દક્ષિણ ભારતથી શરૂ થયેલું અરબી સમુદ્રમાં સર્જાયેલ ઓખી વાવાજોડુ રાજ્ય તરફ ધસી રહ્યું હોવાના હવામાન ખાતાની આગાહીના પગલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટાને કારણે આકાશ વાદળોથી ગોરંભાઈ ગયું છે ત્યારે જિલ્લાવાસીઓ શુષ્ક વાતાવરણને લીધે વધુ ઠંડી અનુભવી રહૃાાં છે.

ગઈકાલે સાંજે વરસાદના છાંટા પડતા હતા અને મધ્યરાત્રીથી માવઠું થયું છે અને વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. ઓખી ઈફેક્ટથી અરવલ્લી જિલ્લામાં કમોસમી છાંટા પડ્યા છે.

વાવાઝોડાની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ પગલાં ભર્યા છે. વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે તાકીદ કરાઈ છતાં ધોબીઢાળ અને ડબગરવાડા વિસ્તારમાં સવારના ૧૧ વાગ્યાથી વિજળી પુરવઠો બંધ થઈ જતાં વિજળી ડૂલ થઈ ગઈ છે.

અરવલ્લી જિલ્લામાં ગઈકાલ સોમવારના રોજ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું તે માહોલ આજના રોજ પણ છે અને વરસાદી માવઠુ થતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. આ માવઠા વરસાદથી કપાસ, રાયડો, જીરૂ, દિવેલા, ઈસબગુલ અને વરીયાળી પાકને ખૂબ નુકસાન પહોંચવાની શક્યતા છે. સંભવિત વાવાઝોડા સામે સાવચેતીના પગલાંરૂપે તંત્રની બેઠક મળી હતી.

હવામાનમાં આવેલ પલટાથી તાપમાન ર ડિગ્રી ગગડતા ઠંડીનો ચમકારો થયો છે. ઉત્તર ગુજરાતમાં માવઠુ થતા ખેતી પાકો પર સંકટ પેદા થયું છે.

બન્ને જિલ્લામાં ૭૮,૧૬૬ હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર થયું છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં ૭૦ હજાર હેક્ટર જમીનમાં રવિ વાવેતર થયું છે તથા ૧૪ હજાર હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર સંપન્ન થયું છે. તેમજ ચણા અને જુવાર સહિતના પાકોનું વાવેતર વધ્યું છે ત્યારે આ વરસાદી માવઠાથી આ પાકો ઉપર ખતરો મંડાયો છે તેથી ખેડૂતો ચિંતિત બન્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *