ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવા માટેનું બીલ કોંગ્રેસે રાજ્યસભામાં પસાર ન થવા દઈ ઓબીસી સમાજને અન્યાય કર્યો છે:મોદી

l1

અમદાવાદ,તા.૧૨
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ભાજપા બક્ષીપંચ મોરચાના જીલ્લા, મંડલ, શકિત કેન્દ્ર સ્તર સુધીના પ્રભારીઓ તેમજ કાર્યકર્તાઓ તથા બક્ષીપંચ સમાજના ભાજપનાા સંસદસભ્યો તેમજ ધારાસભ્યો સાથે ઓડિયો બ્રીજના માધ્યમથી સંવાદ કર્યો હતો.
આ સંવાદની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ બક્ષીપંચ સમાજના સૌ કાર્યકર્તાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, આજે સાંજે ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાનો છે. તમે બધાએ જે અભૂતપૂર્વ મહેનત કરી છે. ઘરે-ઘરે જઈને જે રીતે ભાજપાના પક્ષમાં લોકોને જોડવા માટે અથાગ પુરુષાર્થ કર્યો છે તેના ફળરૂપે ગુજરાતમાં ફરીથી કમળ ખાલી ઉઠશે તેનો મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભાજપા સંગઠનમાં બક્ષીપંચ મોરચાનું વિશેષ મહત્વ છે. બક્ષીપંચ મોરચાનીરચના પાછળનો આપણો હેતુ પણ એ જ હતો કે, ‘સબકા સાથ સબકા વિકાસ’ સરકારના પગલાઓનો લાભ સૌથી પહેલા જે લોકો પાછળ રહી ગયા છે તેમને મળવો જોઈએ. જેમને વિકાસ માટેની તક નથી મળી તેમને મળવો જોઈએ. આપણે ત્યાં પછાતપણું આર્થિક કારણોસર પણ હોય છે. પરતું ઘણું કરીને સામાજીક કારણોને લીધે પછાતપણું હોય છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારમાં આવ્યા પછી મેં જાણ્યું કે, ઓબીસી સમાજને લગતા અનેક પ્રશ્ર્નો હતાં. ભૂતકાળની સરકારોએ પછાત વર્ગ મંડલ કમિશન માટે ભાષણો તો ખૂબ કર્યા પણ કર્યું શું? મેં તપાસ કરી તો ચોંકી ગયો. તમને આશ્ર્ચર્ય થશે કે, ભારત સરકારમાં બેંકો હોય, ઈન્સ્યોરન્સ કંપનીઓ હોય કે પછી ઓએનજીસી જેવા મોટા સરકારી એકમો હોય. પરંતુ તેમાં ઓબીસીને ન્યાય મળે તેવી કોઈ વ્યવસ્થા જ નહોતી. આપણે કાયદાકીય પરિવર્તનો કર્યા અને બક્ષીપંચ સમાજને સમાન અવસર મળે તેની ચિંતા કરી. ઠાકોર સમાજ હોય કે પ્રજાપતિ સમાજ. કોઈપણ બક્ષીપંચ સમાજ પાછળ રહી જાય તે ન ચાલે. બક્ષીપંચ સમાજોનો પરંપરાગત ધંધો ધીમે-ધીમે બંધ થતો જાય છે. આ બધા સમાજોને નવું શિક્ષણ આપવું પડે, નવી શકિત આપવી પડે તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.
મોદીએ જણાવ્યું હતું કે, હમણાં આપણે બક્ષીપંચ સમાજ માટે મોટું કામ કર્યું છે, ઓબીસીને સબકેટેગરીવાઈઝ કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિનું કમિશન બનાવ્યું છે. ઓબીસીના લાભો સમાજના તમામ વર્ગોને સમાન રીતે મળે તેમાં કોઈપણ ભેદભાવ ન થાય. શકિતશાલી હોય તે વધુ લાભ લઈ જાય અને જે ખરેખર જરૂરીયાતમંદ હોય તે રહી જાય તેવું ન થાય અને સમાજના છેવાડાના માનવી સુધી આ લાભો સમાન રીતે પહોંચે તે માટે આ રચના કરી છે. તેનો રિપોર્ટ થોડા સમયમાં આવશે. તે લાગુ થવાથી અસમાનતા હટી જશે. તેવી જ રીતે ઓબીસી માટેની ક્રિમિલેયરની મર્યાદાનો મુૂદ્દો પણ લટકતો પડ્યો હતો. ૬ લાખ સુધીની આવક ધરાવતા હોય તેને જ લાભો મળતા હતાં. ક્રિમિલેયરનો લાભ વધુ મળે તે હેતુથી આ મર્યાદા વધારીને ૮ લાખ સુધીની કરવામાં આવી છે. ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવા માટેની માંગણી પણ છેલ્લા ૫ વર્ષથી ચાલતી હતી. અનામતના નામે રાજકારણ કરવાવાળી કોંગ્રેસે આ માંગણી કયારેય સ્વીકારી નહીં. ઓબીસીના મતો લેતા ગયા પણ હકો ના આપ્યા. મને કહેતા ગૌરવ થાય છે કે, અમે આ દિશામાં આગળ વધ્યા અનેકાયદો બનાવવાનું નક્કી કર્યું. લોકસભામાં ભાજપાની બહુમતિ હોવાથી કાયદો પસાર કરી શક્યા. પરંતુ રાજ્યસભામાં બહુમતી ધરાવતી કોંગ્રેસે આ બીલ અટકાવી દીધું. અમે આ કાયદો લાવવા માટે કટિબદ્ધ છીએ.
તેઓએ જણાવ્યું હતું કે, હું નાના સમાજમાંથી આવું છું, નાના લોકો વચ્ચે મોટો થયો છું. માટે નાના-નાના લોકોના મોટા કાર્યો કરવા છે. બક્ષીપંચ સમાજની હું જેટલી સેવા કરું તેટલી ઓછી છે. આપણે ગુજરાતમાં જાતીવાદના ઝેરના બીજ રોપવા દેવા નથી. આપણે ગુજરાતને પ્રગતિના પંથે આગળ લઈ જવું છે. આપણે ‘સબકા સાથ સબકા વિકાસ’ મંત્રને લઈ આગળ વધવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *