ઓખી ચક્રવાત ડિપ ડિપ્રેશનમાં ફેરવાતા હજુ બે દિવસ વરસાદ રહેશે રાજ્યમાં વરસાદી માહોલ:તીવ્ર ઠંડીનું મોજુ

તમિળનાડુ અને કેરળમાં ભારે તબાહી કર્યા બાદ ગુજરાત પર તોળાઇ રહેલુ ઓખી વાવાઝોડાનુ સંકટ આજે ટળી જતા તંત્રને મોટી રાહત થઇ છે. ઓખી વાવાઝોડુ દરિયામાં સમાઇ ગયુ છે. તેની ઘાત ટળી ગઇ છે. સુરતથી આશરે ર૦૦ કિલોમીટરના અંતરે ઓખી વિખેરાઇ જતા તંત્રને રાહત થઇ છે. જો કે તેની અસર હેઠળ હજુ ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદ થઇ રહૃાો છે.

હવામાન પલટાને કારણે રાજ્યભરમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સૌથી વધુ ઠંડી નલિયા ખાતે ૧ર.૬ ડિગ્રી નોંધાઈ હતી. અમદાવાદ શહેર ૧૫.૬ ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું હતું. વાવાઝોડાના કારણે પવનની ગતિ પણ વધારે હતી. વાવાઝોડુ ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં હોવાથી રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૧૫ વર્ષમાં પ્રથમ વખત ડિસેમ્બરના મહિનામાં વરસાદ થયો છે. વાવાઝોડાની સ્થિતીને પહોંચી વળવા તમામ પગલા લેવામાં આવ્યા હતા.

સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજજ એવા વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત અને સાવચેત કરવામાં આવ્યા હતા. ખાસ ઝૂંબેશ હાથ ધરીને ૧૩,૦૦૦થી વધુ બોટ સાથે માછીમારોને લાવવામા સફળતા મળી હતી. આગામી બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના પણ વ્યકત કરવામા આવી છે.દરમિયાન તંત્ર દ્વારા કુલ મળીને ૮૯૦ પરિવારોના ૩,૩૬૦ લોકોને સલામત સ્થળે ખસેડવામા આવી ચુક્યા છે.

આ સાથે જ એનડીઆરએફની ૬ જેટલી ટુકડી તૈનાત કરવામા આવી હતી. બીજી તરફ આ વાવાઝોડાની અમદાવાદ ઉપર થનારી સંભવિત અસરને પહોંચી વળવા માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ ફાયરબ્રિગેડને એલર્ટ કરવામા આવ્યુ  હતુ. ઉપરાંત તમામ અધિકારીઓની રજાઓ પણ રદ કરાવામા આવી હતી. ઓખીની સંભાવનાને પગલે રાજય સરકાર હાઈએલર્ટ હોવાનુ પણ રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહ.દ્વારા કહેવવામાં આવ્યું  હતુ.

ઓખી વાવાઝોડાની સંભવિત અસરોની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજયના  મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંલગ્ન તમામ જિલ્લાઓના કલેકટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને વહીવટીતંત્ર દ્વારા લેવામા આવેલા પગલાની વિગતવાર સમીક્ષા કરી હતી.તેમણે તમામ જિલ્લાઓના અધિકારીઓને એલર્ટ રહેવા તાકિદ કરી હતી.

રાજય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીને નુકસાન ન થાય એ માટે પણ યુધ્ધના ધોરણે પગલા લેવામાં આવ્યા હતા. રાજયમાં મગફળીની ૬ લાખથી વધુ બોરીઓને ગોડાઉનમાં અથવા તો શેડમાં કે તાડપત્રી હેઠળ સલામત રાખવામાં આવી છે.મુખ્ય  સચિવ જે.એન.સિંહે નાગરિકોના જાનમાલનુ નુકસાન ન થાય કે કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તંત્રને સુસજજ રહેવા તાકીદ કરી છે.ઉપરાંત વાવાઝોડા પછી પણ પરિસ્થિતિને તરત સામાન્ય અને પૂર્વવત કરવા વહીવટીતંત્રને તૈયાર રહેવા તેમણે સુચના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *