ઉત્તરાખંડ ચમોલી જિલ્લામાં અવિરત વરસાદ બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન

19-5

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અવિરત પડી રહેલો વરસાદ હવે ચારધામના યાત્રીઓ માટે તકલીફ બન્યો છે આજે વિષ્ણુપ્રયાગ પાસે હાથી પહાડમાં ભેખડો ધસી પડતા બદરીનાથનો હાઈવે બંધ થઈ જતા અંદાજે ૧૫ હજાર યાત્રીઓ ફસાયા છે.
બદરીનાથ નેશનલ હાઈવે પર આવેલા હાથી પહાડ ૨૦૧૬માં ભૂસ્ખલન જોન જાહેર કરાયો છે ફરીથી આજે આ પહાડના કેટલોક ભાગ ધસી પડવાના કારણે હાઈવે બંધ થઈ ગયો છે. આજે બપોર બાદ હાથી પહાડની ભેખડો અચાનક તૂટીને માર્ગ ઉપર પડતા હાઈવેનો ૫૦ મીટરનો ભાગને સંપૂર્ણ નુકસાન થયું છે. હાથી પહાડમાંથી પસાર થતા હાઈવેના બંને છેડા ઉપર ૫૦૦થી વધુ નાના મોટા વાહનો ફસાઈને ઉભા છે.
બદરીનાથ ધામમાં રહેલા યાત્રીઓને પણ હાલ ત્યાં જ રોકાઈ જવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે બદરીનાથ ધામ જઈ રહેલા યાત્રીઓને જોશીમઠ, પીપલ કોટી, ચમોલી વિગેરે યાત્રા પડાવો પર રોકી દેવામાં આવ્યા છે.
બદરીનાથ ધામમાં લગભગ ૧૫ હજાર યાત્રીઓ ફસાયેલા છે. જ્યારે અન્ય યાત્રા પડાવો ખાતે અંદાજે ૧૦ હજાર યાત્રીઓને રોકી દેવામાં આવ્યા છે. હાથી પહાડથી બદરીનાથ વચ્ચે માર્ગ ઉપર ફસાયેલા યાત્રીઓને ગોવિંદઘાટ ગુરુ દ્વારમાં રહેવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે.
સરકારી તંત્રની સૂચનાથી ગુરુદ્વાર પ્રબંધન કમિટીએ ભોજનની વ્યવસ્થા કરી છે. આ સંદર્ભે જિલ્લા કલેકટર આશિષ જોશીએ જણાવ્યું હતું કે, ગુરુદ્વારમાં રહેવા- જમવાની પુરતી વ્યવસ્થા છે. હાઈવે આવતીકાલ સુધીમાં ખુલવાની આશા છે. આ સ્થિતિમાં યાત્રીઓને કર્ણપ્રયાગ, નંદપ્રયાગ, ચમોલી, પીપલ કોટી, જોશીમઠમાં રોકવામાં આવી રહ્યા છે. બદીનાથમાં રહેલા યાત્રીઓને પણ ત્યાં જ રોકી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *