ઇનસર્વિસ ડોકટરોની પિટિશનમાં સુપ્રીમનો હુકમ ઈન સર્વિસ ડૉકટરોને ૫૦ ટકા બેઠકો ફાળવવા હુકમ

પીજી મેડિકલમાં ડિગ્રી કોર્સમાં ઇન સર્વિસ ડોકટરોને ર૫ ટકા બેઠકો નહી ફાળવવાના રાજય સરકારના નિર્ણયને બહાલ રાખતાં ગુજરાત હાઇકોર્ટના હુકમને નારાજ ઇન સર્વિસ ડોકટરો(જીએમએસ કલાસ-ર મેડિકલ ઓફિસર્સ એસોસીએશન)એ સુપ્રીમકોર્ટમાં પડકાર્યો છે.

જેની સુનાવણીમાં આજે સુપ્રીમકોર્ટના જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ એ.એમ.ખાન્વીલકરની ખંડપીઠે ઇન સર્વિસ ડોકટરો માટે ડિપ્લોમા કોર્સમાં એમસીઆઇના રૂલ્સ મુજબ, ૫૦ ટકા બેઠકો ફાળવવા રાજય સરકારને બહુ મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે, જયારે ઇન સર્વિસ ડોકટરોને ડિગ્રી કોર્સમાં ૩૦ ટકા ઇન્સેન્ટીવ માર્કસના મુદ્દે  સુપ્રીમકોર્ટે ઓગસ્ટ માસમાં સુનાવણી મુકરર કરી હતી. સુપ્રીમકોર્ટના આ હુકમને પગલે હવે પીજી મેડિકલના સેકન્ડ કાઉન્સેલીંગમાં તે મુજબની કાર્યવાહી હાથ ધરવાની થશે.      સુપ્રીમકોર્ટે તેના આદેશમાં સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે, મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા પોસ્ટગ્રેજયુએટ મેડિકલ એજયુકેશન રેગ્યુલેશન્સ-ર૦૦૦ના સંબંધિત નિયમ મુજબ, રાજય સરકારે ઇન સર્વિસ ડોકટરો માટે પોસ્ટ ગ્રેજયુએટ મેડિકલમાં ડિપ્લોમા કોર્સમાં ૫૦ ટકા બેઠકો અનામત રાખવાની જે જોગવાઇ છે, તે મુજબ કાઉન્સેલીંગની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. જે મેડિકલ ઓફિસરોએ રાજયના ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં ત્રણ વર્ષ સુધી સેવાઓ આપી છે તેવા ઇન સર્વિસ ડોકટરો માટે પીજી મેડિકલમાં ડિપ્લોમામાં  ૫૦ ટકા બેઠકો અનામત છે તે ધ્યાનમાં રાખીને જ કાઉન્સેલીંગની પ્રક્રિયા સરકારને હાથ ધરવાની રહેશે.           આ કેસની વિગત એવી છે કે, રાજયના ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં ત્રણ વર્ષ સુધી સેવા આપતાં ઇન સર્વિસ ડોકટરો માટે રાજય સરકાર દ્વારા સને ર૦૦૫થી દર વર્ષે પીજી મેડિકલમાં ડિગ્રી અને ડિપ્લોમામાં ર૫ ટકા બેઠકો ફાળવાતી હતી પરંતુ આ વર્ષે સરકારે પી જી મેડિકલમાં ડિગ્રી કોર્સમાં ર૫ ટકા અનામતની ફાળવણી કરી ન હતી અને આ અંગે ગયા મહિને સરકાર દ્વારા પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો હતો. આ પરિપત્રને પડકારતી ઇન સર્વિસ ડોકટરોની રિટ અરજી નામંજૂર કરી હાઇકોર્ટની ખંડપીઠે સરકારના પરિપત્રને બહાલ રાખ્યો હતો અને પીજી મેડિકલની કાઉન્સેલીંગ પ્રક્રિયા હાથ ધરવા સરકારને મંજૂરી આપી હતી.  હાઇકોર્ટના આ ચુકાદાથી નારાજ ઇન સર્વિસ ડોકટરો તરફથી સુપ્રીમકોર્ટમાં કરાયેલી પિટિશનમાં સિનિયર કાઉન્સેલ સુબ્રમણ્યમ્ પ્રસાદ, એડવોકેટ અંકિત શાહ અને એડવોકેટ આદિત્ય જે.પંડયાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વર્ષોથી સરકાર પીજી મેડિકલમાં ડિગ્રી અને ડિપ્લોમામાં ર૫ ટકા બેઠકો ફાળવતી હતી અને આ વખતે અચાનક નીતિ બદલી દે તે કોઇપણ રીતે વાજબી નથી. ખાસ કરીને અરજદારો જયારે ત્રણ વર્ષ સુધી ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં તબીબી ફરજ બજાવી ચૂકયા હોય અને સેવા આપી ચૂકયા હોય ત્યારે આગળના અભ્યાસમાં તેઓને પૂરતી તક મળવી જોઇએ. વળી, એમસીઆઇના રૂલ્સ મુજબ, ઇન સર્વિસ ડોકટરોને ડિપ્લોમામાં ૫૦ ટકા બેઠકો ફાળવવા અને ડિગ્રીમાં ૩૦ ટકા સુધી ઇન્સેન્ટીવ માર્કસ આપવાની જોગવાઇ છે અને આ અંગે ખુદ સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા છે ત્યારે સરકારનો વિવાદીત નિર્ણય બિલકુલ ગેરકાયદે, અયોગ્ય અને રદબાતલ થવાપાત્ર ઠરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *