આગામી ૪૮ કલાક અતિભારે વરસાદની આગાહી આબુમાં મુશળધાર ૧ર ઇંચ વરસાદથી ભારે તારાજી સર્જાઇ

mm1

પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા ર૪ કલાકમાં ૧ર ઇંચ વરસાદ સાથે બારે મેઘ ખાંગા થયા હતા. જેને પગલે માઉન્ટ આબુમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ બની હતી. લોકોના ઘરોમાં-દુકાનોમાં અને બજારોમાં પાણી ફરી વળ્યા હતા. ૧ર ઇંચ વરસાદને પગલે આબુનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ હતું, સ્થાનિક લોકોથી લઇ પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આબુમાં એક સ્થળે દિવાલ પડતાં બે વ્યકિતઓના મોત નીપજયા હતા. તો, વૃક્ષો પડવાના કારણે વાહનોને નુકસાનીના બનાવો પણ સામે આવ્યા હતા. વરસાદી તારાજી વચ્ચે ફસાયેલી છ વ્યકિતઓને સ્થાનિક તંત્ર દ્વારા બચાવી લેવાઇ હતી.

આગામી ર૪થી ૪૮ કલાક દરમ્યાન રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત સહિતના રાજયના કેટલાક વિસ્તારોમાં તો બારે મેઘ ખાંગાની શકયતા વ્યકત કરાઇ છે. દક્ષિણ પશ્ર્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા ગુજરાત પર અપરએર સાયકલોનીક સરકયુલેશન સીસ્ટમ અને ઉત્તરપ્રદેશ ઉપર સર્જાયેલી લોપ્રેશર સીસ્ટમ સક્રિય થઇ છે, જે ગુજરાત તરફ આગળ વધી રહી છે. બંને સીસ્ટમના લીધે આગામી બે દિવસ દરમ્યાન રાજયના ઘણા ખરા વિસ્તોરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજયભરમાં સારા સાર્વત્રિક વરસાદને પગલે તેમ જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદને લઇ નદી-નાળાઓ છલકાયા બાદ તંત્ર દ્વારા અગમચેતીના પગલારૂપે દરિયાઇ વિસ્તારોમાં પણ માછીમારોને દરિયો નહી ખેડવા કડક સૂચનાઓ જારી કરાઇ છે. આગામી ૪૮ કલાક દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોઇ તેમ જ જે પ્રમાણે રાજયભરમાં મેઘરાજાએ બીજા રાઉન્ડમાં મહેર વરસાવી છે તેને ધ્યાનમાં લઇને તંત્રએ માછીમારોને દરિયો ખેડવા નહી જવા સ્પષ્ટ તાકીદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *