આગામી ૧લી ઓગસ્ટથી રોકડમાં પગાર ચુકવણા સાથે ૫૩૦૦ ગ્રાન્ટેબલ હાઈસ્કૂલના તમામ સ્ટાફને સાતમા પગાર પંચનો લાભ અપાશે

l6

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની વિકાસયાત્રામાં રાજ્યના અધિકારી-કર્મચારીનો મહત્વનો ફાળો રહ્યો છે, ત્યારે પ્રવર્તમાન સરકારે કર્મચારી હિતલક્ષી અનેક નિર્ણય કરી સાતમા પગારપંચના લાભો આપવાની શરૂઆત પણ દેશમાં ગુજરાતે કરી છે. અને તબક્કાવાર લાભો પુરા પાડ્યા છે.
જેના ભાગરૂપે આજે શિક્ષકો માટે મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યની ૫૩૦૦ ગ્રાન્ટેબલ હાઈસ્કૂલના ૭૦ હજારથી વધુ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને ૧લી ઓગસ્ટ-૨૦૧૭થી સાતમા પગાર પંચનો લાભ અપાશે, જેનાથી પ્રતિવર્ષ રાજ્ય સરકારને રૂા.૬૬૫ કરોડનો વધારાનો બોજ પડશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની વિકાસયાત્રામાં સહયોગી એવા કર્મચારીઓ માટે અનેકવિધ નિર્ણયો કર્યાં છે, ત્યારે ગ્રાન્ટેબલ, સંસ્થાના શૈક્ષણિક સંગઠનો અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નાણા મંત્રી તરીકે મને રજૂઆત કરી હતી જેના પરિણામે આ મહત્વનો નિર્ણય કરાયો છે.
આ નિર્ણય મુજબ આગામી ૧લી ઓગસ્ટ-૨૦૧૭થી પગારમાં જ સાતમાં પગારપંચ મુજબ નવો પગાર મળશે. તેમણે ઉમેર્યું કે, અગાઉ રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં પાંચ લાખથી વધુ કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબના લાભો તા.૧-૧-૨૦૧૬થી પુરા પાડવાનો નિર્ણય કર્યો છે. તે મુજબ આ ગ્ર્રાન્ટેબલ હાઈસ્કૂલના શિક્ષકો-કર્મચારીઓને તા.૧-૧-૨૦૧૬થી તા.૧-૮-૨૦૧૭ સુધીના એરીયર્સ માટે અલગથી નિર્ણય કરાશે અને આ એરીયર્સ પાચં સરખા હપ્તામાં ચુકવાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વધુમાં ઉમેર્યુ હતું કે, ગ્રાન્ટેબલ સંસ્થાઓ અને બોર્ડ નિગમના કર્મચારીઓ માટે પણ સાતમા પગારપંચના લાભ આપવા અંગે તબક્કાવાર સરકાર યોગ્ય નિર્ણય કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *