અમરનાથ યાત્રા પર આતંકી હુમલામાં ગોળીના વરસાદ વચ્ચે યાત્રિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડનાર બસ ચાલકની હિંમતને બિરદાવતા રૂપાણી

salim

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ ખાતે અમરનાથ યાત્રિકોની બસ ઉપર થયેલા આતંકી હુમલામાં જાન ગૂમાવનારા કમનસીબ પ્રત્યેક યાત્રિકના વારસદારને રૂા.૧૦ લાખની સહાય રાજ્ય સરકાર તરફથી આપવાની જાહેરાત કરી છે
આ હુમલામાં ગુજરાતના ૭ યાત્રિકોના મૃત્યુ થયા છે તથા ૧૯ યાત્રિકો હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે.
વિજય રૂપાણીએ ઈજાગ્રસ્તોને રૂા. બે લાખની સહાયની તેમજ ઈજાગ્રસ્તોને સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે, તેની પણ જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ આ હુમલો જે બસ પર થયો હતો તેના ડ્રાયવર સલીમે આતંકીઓના સતત ગોળીબાર વચ્ચે પણ બસ ચલાવીને બસમાં સવાર ૫૧ જેટલા યાત્રિકોને સલામત સ્થળે પહોંચાડવાના બહાદૂરી ભર્યા કૃત્ય માટે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતાં. આ ડ્રાયવરનું નામ ભારત સરકારમાં વિરતા પુરસ્કાર માટે મોકલવાની બાબત પણ વિચારવાનું તેમણે જણાવ્યું હતું.
સોમવારે રાત્રે અનંતનાગ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા અમરનાથ યાત્રિકોના પાર્થિવ દેહ મંગળવારે બપોરે વાયુદળના ખાસ વિમાન મારફતે સૂરત હવાઈ મથકે લાવવામાં આવ્યા હતાં.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મંત્રીઓ ગણપતસિંહ વસાવા, તથા સાંસદો, મેયર વગેરેએ આ મૃતદેહોને સદ્ગતોના પરિવારજનો સાથે સ્વીકાર્યા હતા અને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. મૃતકોના શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના આપી તેમના દુ:ખ-શોકમાં સહભાગી થયા હતાં.
વિજય રૂપાણીએ સંવેદનાસ્પર્શી અભિગમ સાથે સૂરત હવાઈ મથકે ઈજાગ્રસ્તો અને અન્ય યાત્રિકોને રૂબરૂ મળીને તેમના ખબર-અંતર પણ પૂછયા હતાં અને વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીને સોમવારે રાત્રે આ કમનસીબ દુર્ઘટનાની જાણ થતાં જ તેમણે રાજ્યના વહિવટી- પોલીસતંત્રને જમ્મુ-કાશ્મીરના સંબંધિત તંત્રવાહકોનેા સંપર્ક કરીને બનાવની સંપૂર્ણ વિગતો મેળવી હતી.
વિજય રૂપાણીએ આ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ગુજરાતના યાત્રિકોના મૃતદેહ ગુજરાત લાવવાનો કેન્દ્રીય ગૃહમંત્રાલય સાથે પરામર્શમાં રહીને પ્રબંધ કર્યો હતો તેમજ ઈજાગ્રસ્તોને જમ્મુ-કાશ્મીરમાં પૂરતી સારવાર-સુવિધા મળે તે માટે જમ્મુ-કાશ્મીર સરકાર સાથે પણ વાતચીત કરી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાતના યાત્રિકો પર થયેલા આતંકી હુમલામાં મૃતકો અને ઈજાગ્રસ્તોને સહાય-સારવાર પ્રબંધ તથા સલામત ગુજરાત પહોંચાડવામાં સહાય રૂપ થયેલા હવાઈ દળ, લશ્કર અને કેન્દ્ર સરકાર તથા જમ્મુ-કાશ્મીર પ્રશાસનનો સાડા ૬ કરોડ ગુજરાતીઓ વતી આભાર પ્રગટ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ આતંકવાદી હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી હિચકારા કૃત્યની નિંદા કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારત આવા હુમલાઓ સામે ઝૂકવાનું નથી પરંતુ ત્રાસવાદી-આતંકવાદી ગતિવિધિઓનો મક્કમતાથી પ્રતિકાર-જવાબ આપવા સંપૂર્ણ સજ્જ છે.
વિજય રૂપાણીએ અમરનાથ યાત્રિકો પરના આ હુમલામાં ઈજાગ્રસ્તો તથા અન્ય બાબતો અંગે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમને સતત જાણકારી મેળવવાની સૂચનાઓ આપી હતી.
આ કંટ્રોલ રૂમનો ફોન નંબર ૦૭૯-૨૩૨ ૫૧૯૦૮ અને ટોલ ફ્રી નંબર- ૧૦૭૦ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *