અમદાવાદ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ

h1

અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા ઓખી વાવાઝોડાએ લક્ષ્યદ્વિપ, તમિલનાડુ અને કેરળમાં કહેર વરસાવ્યા બાદ ઉત્તર અને ઉત્તરપૂર્વ તરફ ધસી આવતું ઓખી વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તે પહેલા નબળું પડ્યું છે. જો કે, તેમ છતાં રાજ્ય પર તેનું સંકટ યથાવત્ રહ્યું છે. સિવિયર સાયકલોનિક સ્ટોર્મમાંથી હવેતે સાયકલોનિક સ્ટોર્મમાંપરિવર્તિત થયું છે. વાવાઝોડાની અસર હેઠળ સવારથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ૭૪ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના ધરમપુરમાં બે ઈંચ વરસાદ ખાબકયો હતો. અન્ય સ્થળે પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાંપટા પડ્યા હતાં.
તામિલનાડુ અને કેરળમાં હાહાકાર મચાવનાર ઓખી વાવાઝોડાની અસર ગુજરાત-મહારાષ્ટ્ર પર પણ થઈ રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ઓખી વાવાઝોડાને કારણે બન્ને રાજ્યોના હવામાનમાં ભારે પલટો આવ્યો છે. ગઈકાલની જેમ આજે પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સાથે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. અને કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હતા. રાજ્યના મોટા ભાગના શહેરમાં મહત્તમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી જેટલું ઘટી ૨૫ ડિગ્રીની આસપાસ પહોંચી જતા દિવસે પણ તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બે ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતાં. નવસારીમાં પણ હળવો વરસદિ વરસ્યો હતો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વાવાઝોડા ત્રાટકવાની સંભાવનાને લઈ સુરત દરિયાકાંઠાના ૧૨૫ ગામોમાં અધિકારીઓ તૈનાત કરાયા છે. અને શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, વાપી, ગીરસોમનાથ, વલસાડ, અમરેલી, રાજકોટ સહિતના સ્થળોએ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો. તેવી જ રીતે ઉત્તર ગુજરાતના મોટાભાગના શહેરોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં હિંમતનગર, મોડાસા, બનાસકાંઠાના લાખણી, પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કમોસમી વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂત વર્ગમાં સેવાઈ રહી છે. ભરૂચમાં સાત હજાર અગરિયાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
અમદાવાદ શહેરમાં ફાયર બ્રિગેડને એલર્ટ કરાઈ છે અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
વાવાઝોડાની અસરને કારણે સુરત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ઓખી ઈફેકટને કારણે સોમવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે સતત બીજા દિવસે પણ સવારથી જ સૂર્યનારાયણે દર્શન દીધા ન હતા અને મંગળવારે સવારે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતાં. જેના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે હિલ સ્ટેશન જેવા માહોલ સર્જાયો હતેા. વહેલી પરોઢે હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના કારણે ૨૦૦ મીટર દૂરનું દૃશ્ય પણ બારોબર દેખાતું ન હતું. જેથી નેશનલ અને સ્ટેટ હાઈવે પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં બે દિવસથી આવેલા વાતાવરણમાં ભારે પલટાનેકારણે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસનું તાપમાન પણ સામાન્યથી ઓછું રહેતા દિવસે પણ લોકોએ સ્વેટર પહેરવાની ફરજ પડી હતી. ત્યારે હવે આગામી દિવસોમાં ઉત્તર-પૂર્વિય પવનને કારણે ગાત્રો થિજવી દેતી ઠંડી પડવાના એંધાણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *