અતિવૃષ્ટિના લીધે કુલ ૯ના મોત: વરસાદનું જોર ઘટયુ ર૦૦૪ વ્યક્તિઓનું સ્થળાંતર:રેસ્ક્યુ ઓપરેશનથી ૪૦૫ને બચાવાયા:ચુડાસમા

છેલ્લાં ત્રણેક દિવસથી રાજ્યના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે અને બાકીના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયા બાદ આજે દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે હળવું બન્યુ છે. આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલા અહેવાલો મુજબ સાંજે ૪ વાગ્યા સુધીમાં રાજ્યમાં નોંધાયેલા વરસાદને ધ્યાનમાં લેતા મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવાનું મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમાએ જણાવ્યું છે.

ભૂપેન્દ્રિંસહ ચુડાસમા અને પાણી પુરવઠા મંત્રી બાબુભાઇ બોખીરીયાએ આજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઇને રાજ્યની અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મહેસૂલમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને લીધે બચાવ રાહતની કામગીરી અગાઉથી અને યુદ્ધના ધોરણે હાથ ધરવા રાજ્યના વહીવટીતંત્રને કરેલા આહવાનના પગલે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં સલામત રીતે અનેક લોકોનું સ્થળાંતર કરી શકાયુ છે તથા રેસ્કયૂ ઓપરેશન દ્વારા મોટી જાનહાનિ પણ નિવારી શકાઈ છે.  ચૂડાસમાએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિના કારણે જયાં વધુ નુકસાન થયુ છે ત્યાં સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરવે કરીને સહાય સંબંધી કામગીરી નિયમાનુસાર હાથ ધરવામાં આવશે.

ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ૧૪મી જૂલાઈના રોજ ૧૫૭૦ અને ૧૫મી જૂલાઈના રોજ ૫૩૪ વ્યક્તિઓ સાથે કુલ ર૦૦૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જ્યારે ૪૦૫ વ્યક્તિઓને રેસ્કયૂ ઓપરેશન દ્વારા બચાવી લેવામાં વહીવટીતંત્રને સફળતા મળી છે. તેમાં ટંકારા તાલુકામાં ૫ર, વાકાંનેર તાલુકામાં ૫ર, લોધિકા તાલુકામાં ૧ અને જોડિયા તાલુકામાં ૪ર વ્યક્તિઓ સાથે મોરબી અને રાજકોટ જિલ્લામાં કુલ ૧૪૭ વ્યક્તિઓને રેસ્કયૂ ઓપરેશન દ્વારા ૧૪મી જૂલાઈના રોજ બચાવી લેવામાં આવી છે. જયારે ૧૫મી જૂલાઈના રોજ જામનગર તાલુકામાં ૧૫, વઢવાણ તાલુકામાં ૧૧, ધ્રાગંધ્રા તાલુકામાં ર૦, લીબંડી તાલુકામાં ૧૩, કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ૮, મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં ૧૭૧ સાથે સુરેન્દ્રનગર, કચ્છ અને મોરબી જિલ્લામાં ર૩૮ વ્યક્તિઓને રેસ્કયૂ ઓપરેશન દ્વારા બચાવી લેવામાં આવી છે. જ્યારે આજે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ર૦ વ્યક્તિઓને રેસ્કયૂ ઓપરેશનથી સલામત રીતે બચાવી લેતા આ ત્રણ દિવસો દરમિયાન કુલ ૪૦૫ વ્યક્તિઓને રેસ્કયૂ ઓપરેશન દ્વારા બચાવી લેવામાં આવી છે. આ ૪૦૫ વ્યક્તિઓમાં સુરેન્દ્રનગર જિલ્લાની ૯ વ્યક્તિઓને એન.ડી.આર.એફ. દ્વારા એર લિફ્ટથી બચાવી લેવાયેલ તે વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે.

અતિવૃષ્ટિના કારણે ૧૪ અને ૧૫ જૂલાઈ દરમિયાન કુલ ૯ વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. તેમાં દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામે એક, દૃાંતિવાડાના ગુંદરી ગામે એક, મેઘરજ તાલુકાના સિસોદરા ગામે એક, લોધિકા તાલુકાના જેતાકૂવા ગામે એક, સાયલાના ધમરાસણ ગામે એક, ઊના તાલુકાના કોલવાણ ગામે એક, ખંભાળિયા તાલુકાના લાપરડા ગામે એક, જામનગર તાલુકાના કોજા ગામે એક અને સુરેન્દ્રનગર જિલ્લાના એક વ્યક્તિના મૃત્યુ સાથે કુલ ૯ વ્યક્તિઓનું મૃત્યુ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *