અગ્રિમ ચોકી અને નાગરિક વિસ્તારો પર યુદ્ધવિરામનો ભંગ કરી ફરી પાક દ્વારા ભીષણ ગોળીબાર

india-pakistan-border-pti

જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશરેખા પરના નાગરિક વિસ્તારો અને અગ્રિમ ચોકી ઉપર પાકિસ્તાને ભીષણ ગોળીબાર કર્યો છે. તોપમારો પણ કર્યો છે. યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સંરક્ષણ પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું હતું કે, આજે સવારે ૫.૩૪ વાગે અંકુશરેખા નજીક પૂંચ સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.

નાના અને ઓટોમેટિક હથિયારોથી ગોળીબાર કરાયો હતો. ભારતીય જવાનોએ પણ યોગ્ય જવાબ આપ્યો હતો. કલાકો સુધી સામ સામે ગોળીબાર ચાલ્યો હતો. પૂંચના માનકોટે સબ સેક્ટરમાં પણ ભીષણ તોપમારો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૩મી ઓગસ્ટના દિવસે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ચાર વખત ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને નવશેરા, માનકોટે અને ઉત્તર કાશ્મીરમાં ગોળીબાર કર્યો હતો જેના લીધે ત્રણ ભારતીય જવાનો ઘાયલ થયા હતા. ૧રમી જુલાઈના દિવસે પાકિસ્તાની સૈનિકોએ કૃષ્ણાઘાટી અને પૂંચ સેક્ટરમાં અગ્રિમ ચોકીઓ અને નાગરિક વિસ્તારોમાં ભીષણ ગોળીબાર કર્યો હતો જેમાં એક જેસીઓનું મોત થયું હતું અને એક મહિલાનું પણ મોત થયું હતું. આર્મીના ઓફિસર જેસીઓના મોત બાદ પાકિસ્તાન સામે જોરદાર જવાબી કાર્યવાહી કરાઈ હતી. ૧રમી ઓગસ્ટના દિવસે પણ પાકિસ્તાને બે વખત ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને નિયમિતરીતે યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબારનો દોર જારી રાખ્યો છે. ૬, ૭ અને આઠમી ઓગસ્ટના દિવસે પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા અવિરત કરવામાં આવી રહેલા ગોળીબારના પરિણામ સ્વરુપે તંગ સ્થિતિ પ્રવર્તી રહી છે. ૧૩મી ઓગસ્ટ સુધી  પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને ર૮૫ વખત ગોળીબાર કરાયો છે જ્યારે ર૦૧૬માં આ સંખ્યા રર૮ની હતી. ગયા વર્ષે આઠ સેનાના જવાનો ગોળીબારમાં શહીદ થયા હતા જ્યારે જુલાઈ મહિનામાં પાકિસ્તાન સેના દ્વારા કરાયેલા યુદ્ધવિરામના ભંગ અને ગોળીબારમાં નવ જવાન સહિત ૧૧ લોકોના મોત થયા છે અને ૧૮ લોકો ઘાયલ થયા છે. જૂન મહિનામાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના બે પ્રયાસ અને યુદ્ધવિરામ ભંગના ૮૩ બનાવ બન્યા હતા જેમાં ત્રણ જવાનના મોત થયા હતા અને ૧ર લોકો ઘાયલ થયા હતા. મે મહિનામાં ૭૯ વખત પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *