અગારા ગામે વિધવાના ઘરમાંથી લાખોની મત્તાની લૂંટ

લૂંટના મક્કમ ઈરાદે લીમખેડા તાલુકાના અગારા ગામના હનુમાન ફળીયામાં ત્રાટકેલા ૧૦થી ૧૫ જેટલા અજાણ્યા સશસ્ત્ર લુંટારુઓએ વિધવા મહિલાના ઘરને નિશાન બનાવી ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘૂસી જઈ ધાકધમકી આપી કુહાડી તથા દાતરડા જેવા હથિયારોની અણીએ ઘરમાંની તિજોરી તથા પેટીઓ તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ૧,૦૮,૦૦૦/-ની મત્તાની લૂંટ કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર અગારા(ઉ) ગામના હનુમાન ફળીયામાં રહેતી ૪૫ વર્ષીય શન્તીબેન મણીલાલ વહોનીયા નામની વિધવા ગત રોજ પોતાના ઘરમાં પરિવારજનો સાથે સૂતા હતા તે દરમ્યાન રાતના સાડાબાર વાગ્યાના સુમારે લૂંટના મક્કમ ઈરાદે હથિયારો સાથે આવેલા ૧૦થી ૧૫ જેટલા અજાણ્યા લુંટારુઓ શન્તીબેન વહોનીયાના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરનો દરવાજો તોડી તે વાટે ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં તિજોરી તથા પેટીઓ તોડી ખોલી અંદર મૂકેલ સોનાના દાગીના, ચલણી નોટો વગેરે મળી રૂપિયા ૧,૦૮,૦૦૦/-ની મત્તાની લૂંટ કરી લુંટારુઓ લઈ ગયા હતા.

આ સંબંધે શન્તીબેને લીમખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ધાડ-લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *