અંકલેશ્વરના અંદાડા ગામના ગૂમ થયેલા સરપંચની હત્યા

અંકલેશ્વરના અંદાડા ગામના આઠ દિવસથી ગૂમ યુવા સરપંચનો અમરતપુરા ગામની સીમમાં જમીનમાં દટાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હત્યામાં સંડોવાયેલા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામના યુવા સરપંચ સતીષ વસાવા તા.૧ર એપ્રિલે ઘરેથી મંદિરે જવાનું કહી ગયા બાદ ગૂમ થયા હતા. આ અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે ૩ ટીમ બનાવી ગૂમ સરપંચની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન આજે સવારના સમયે આઠ દિવસથી ગૂમ સરપંચ સતીષ વસાવાનો મૃતદેહ અમરતપુરા ગામની સીમમાં જમીનમાં દટાયેલ હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાની સાથે જ શહેર પોલીસનો કાફલો અને ગ્રામજનોના ટોળેટોળાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૂમ સરપંચને શોધી કાઢવાની માંગ સાથે ગ્રામજનો અને આદિવાસી સમાજ દ્વારા રેલી અને બંધ સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવ્યાં હતા. સરપંચનો મૃતદેહ મળ્યા બાદ લોકોનાં આક્રોશને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હત્યા પાછળના રહસ્યો બહાર આવે અને આરોપીઓ વહેલામાં વહેલી તકે પકડાય એવી માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *